ચૂંટણી પૂર્ણ થતા જ અમુલ ડેરીએ ગઈકાલે દૂધના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. જેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના માથે ખર્ચનો બોજ વધી જવાનો છે. ત્યારે મોટેભાગે આજે બરોડા ડેરી પણ દૂધના ભાવમાં વધારો કરવા અંગેનો નિર્ણય લઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ, હજુ પરિણામ આવવાના બાકી છે તેમ છતાં, વિવિધ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો ઝીંકવાનો શરૂ થઈ ગયો છે. ગતરોજ દેશના વિવિધ ટોલટેક્સ પર ટોલના દરમાં ભાવ વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. કેટલાક ધોરીમાર્ગ પર આજથી નવો ભાવ વધારાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
તો આ સાથે અમૂલ ડેરીએ આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા બેનો ભાવ વધારો જિંદગી દીધો છે. અમૂલ ડેરીએ લીધેલા નિર્ણયના પગલે હવે બરોડા ડેરી પણ દૂધનો ભાવ વધારો ઝીકે તેવી પરિસ્થિતિ નિર્માઇ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, બરોડા ડેરી પ્રતિ લીટરે રૂપિયા બેનો ભાવ વધારો ઝીકી શકે છે. તો બીજી તરફ દૂધના ભાવ વધારાનો વિરોધ ન થાય તે માટે દૂધ ઉત્પાદકોને કિલો ફેટે ચુકવાતા નાણામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
મોટેભાગે આવતીકાલથી દૂધમાં નવો ભાવ વધારો અમલી થઈ શકે છે. આ સાથે વડોદરાની પ્રજાને પણ વધુ એક મોંઘવારી સહન કરવાની પરિસ્થિતિ ઉભી થશે. એના કારણે શહેરમાં આવેલ સંખ્યાબંધ ચાની હટડીઓ પણ ચાની કિંમતો કાલથી જ વધારી દે તેવી પરિસ્થિતિ સર્જાશે.