Editor's Exclusive

બગાસું ખાતા પતાશું મળી ગયું હોય તેવા શાસકોના પાપે પૂર્વ વિસ્તાર “રામ ભરોસે”?

Published

on

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના નગરસેવકો જ વિપક્ષની ભૂમિકામાં આવી જતા હોવાનું રટણ મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું ખરેખર મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે? શું બંને સાશકોને પોતાના મતવિસ્તારની જનતાની ચિંતા છે ખરી? આવા સવાલોનો જવાબ તમને આ અહેવાલથી મળી જશે. જ્યાં વાંચકો જાતે જ નક્કી કરશે કે, બગાસું ખાતા પતાશું મળી ગયું હોય તેવા શાસકો શહેરની શું હાલત કરવા બેઠા છે!

વાત એમ છે કે, પાલિકા દ્વારા ચોમાસાની ઋતુ શરુ થાય તે પહેલા તમામ પ્રિમોન્સુન કામગીરી પૂરી કરવાની હોય છે. આ કામગીરીમાં વરસાદી ગટરની સફાઈ અને મેન્ટેનેન્સના વાર્ષિક ઇજારા આપવામાં આવે છે. જે ઇજારામાં આખા વર્ષ દરમિયાન તેની સફાઈ અને મરામતના કામો નક્કી કરેલા ઇજારદારે કરવાના હોય છે. વરસાદના સમયે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો વરસાદીકાંસ મરામત અને પાણીના નિકાલની  વૈકલ્પિક વ્યવસ્થાના કામો આ ઇજારા હેઠળ કરવાના હોય છે.  શહેરના તમામ ઝોનમાં આ પ્રકારે વાર્ષિક ઇજારાઓ સોંપવામાં આવે છે.

Advertisement

આજ પ્રમાણે શહેરના પૂર્વ ઝોનમાં વરસાદી કાંસના દુરસ્તીકરણ એટલે કે મેન્ટેનેન્સનો ઈજારો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2023માં વરસાદી કાંસ મેન્ટેનેન્સનો ઈજારો 75 લાખની નાણાકીય મર્યાદામાં ખુશી એન્ટરપ્રાઈઝને સોંપવામાં આવ્યો હતો. 14 જુલાઈ 2023થી સોંપવામાં આવેલા વર્ક ઓર્ડરની સમયમર્યાદા 13 જુલાઈ 2024એ પૂર્ણ થનાર છે. જે કામગીરી માટે પૂર્વ ઝોન દ્વારા 18 જાન્યુઆરી 2024એ પત્ર લખીને વર્ષ 2024-25 માટે નવીન ઈજારો આપવાની પ્રક્રિયા હાથ ધરવાની માંગણી કરવામાં આવી હતી. 75 લાખની મર્યાદામાં વાર્ષિક ઈજારો આપવા માટે કરાયેલી માંગણીમાં ટેન્ડર પ્રકિયા પણ થઇ હતી.

પાલિકાના પ્રોજેક્ટ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને મેળવેલા ભાવ બાદ તેની મંજુરી માટે સ્થાયી સમિતિમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં ઈજારો નક્કી કરીને વહીવટી મંજુરી માટે સંબંધિત વિભાગમાં ફાઈલ મોકલી આપી હતી.

અહીથી આખો ખેલ શરુ થયો અને માનીતા ઈજારદારને કામ મળે તે માટે અધિકારીઓ ખેલ કરી ગયા!, ચોમાસામાં જયારે પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાય ત્યારે વરસાદી કાંસના મેન્ટેનેન્સની કામગીરી કેટલી મહત્વપૂર્ણ હોય છે તેની જાણકારી હોવા છતાંય અધિકારીઓએ ઘોર બેદરકારી રાખીને મંજુર થયેલા ઇજારાની ફાઈલના નોટીંગ પેજ  ગુમ કરી દીધું, ફાઈલના નોટીંગ પેજમાં અધિકારીઓ અને સ્થાયી સમિતિની મંજુરીના સૂચનો લખવામાં આવેલા હોય છે. જે પેજ સંબંધિત વિભાગ માંથી ગુમ થઇ જતા આજ દિન સુધી પૂર્વ ઝોનના વરસાદી ગટરના મેન્ટેનેન્સના કામોનો ઈજારો સોંપવામાં આવ્યો નથી.એક પેજ ગુમ થવાને કારણે પાલિકાએ સામા ચોમાસે આ કામગીરીની રી ટેન્ડરીંગ પ્રક્રિયા શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો સતત ત્રણ ચાર દિવસ વરસાદ પડે તો પૂર્વ વિસ્તારના વોર્ડ 4,5,6 અને 15માં પાણી ભરાઈ જાય તો બત્તર સ્થિતિનું નિર્માણ થાય તેમ છે.

Advertisement

નવાઈની વાત તો એ છે કે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી વોર્ડ 6 થી ચુંટાઈને આવે છે. અને શહેરના પ્રથમ નાગરિક પીન્કીબેન સોની વોર્ડ 4 થી ચુંટાઈને આખા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને પદાધિકારીઓની સાથે સાથે 16 જેટલા નગરસેવકો પણ સત્તાપક્ષ ભાજપના છે. છતાંય અતિ ગંભીર કહેવાય તેવી નિષ્કાળજી સામે આવી છે. આવનાર સમયમાં જો પૂર્વ વિસ્તારનો પાણીમાં ગરકાવ થાય તો પૂર્વ વિસ્તાર માંથી સર્વોચ્ચ પદ પર બેઠેલા શાસકો પણ એટલા જ જવાબદાર કહેવાશે!

Advertisement

Trending

Exit mobile version