વડોદરામાં મતદાનના માહોલ વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફતેગંજ વિસ્તારના પોલિંગ બુથની બહાર વિતરણ કરાયેલ બટાકા પૌવા ખાધા બાદ 10 થી 15 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેની જાણકારી મળતા આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકો અને તેમના બાળકો બટાકા પૌવા ખાવા માટે પહોંચી ગયા હતા. વિતરણ કરાયેલ પૌવા બટાકા ખાધા બાદ 10 થી 15 જેટલા લોકોની તબિયત અચાનક જ લથડી ગઈ હતી.
તમામ લોકોની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને હાલ સયાજી હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર ચાલી રહી છે.