ભૂવાના પૂરાણમાં ગોબાચારી થાય છે, તેઓ આખી લાઇન બદલી નાંખે તો આ ભૂવા પડવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે
કારેલીબાગમાં વધુ એક ભૂવો પ્રગટ થયો
દિપીકા ગાર્ડન વિસ્તારમાં રોડ પર મોટો ભૂવો પડ્યો
આ સમસ્યામાંથી કાયમી છુટકારા માટે તંત્રએ લાઇન બદલવી જરૂરી
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દિપીકા ગાર્ડન આવેલું છે. આ ગાર્ડનમાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો આવે છે. જેના કારણે આ રોડ સતત વ્યસ્ત રહે છે. તાજેતરમાં દિપીકા ગાર્ડન જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો. તેનું માંડ રીપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હજી આ વાતને થોડાક દિવસો જ વિત્યા છે ત્યાં આ રીપેર કરાયેલા ભૂવાથી માત્ર 10 ડગલાં દૂર જ બીજો ભૂવો પ્રગટ થયો છે. જેને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રોડ પર વારંવાર ભૂવો પડવાની સ્થિતીના કાયમી ઉકેલ માટે ડ્રેનેજની લાઇન બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.
Advertisement
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ કારેલીબાગનો પોશ વિસ્તાર દિપીકા ગાર્ડન જતો રસ્તો છે. અહિંયા મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહે છે. બગીચામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ રોજ પર વારંવાર ભૂવાઓ પડે છે. આ રોડ પર કદાચ આ 7 મો ભૂવો હશે. પાલિકાના અધિકારીઓ જાગવા તૈયાર નથી. સંસ્કારી નગરી હવે ભૂવા નગરી થઇ ગઇ છે. ભૂવાના પૂરાણમાં ગોબાચારી થાય છે, તેઓ આખી લાઇન બદલી નાંખે તો આ ભૂવા પડવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે. જો રાત્રીના સમયે આ ભૂવો પડે તે તેમાં વાહન પડવાની અને અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આ ભયંકર ઉંડો ભૂવો છે. અંદર ડ્રેનેજની લાઇન લિકેજ થઇ રહી છે. તેનું પ્રવાહી પણ વહી રહ્યું છે. વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા માટે સત્તાધીશોએ જાગૃત થવું પડશે.