બેદરકારીનું પરિણામ: પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો બરાબર ન પુરાતા ઈંટો ભરેલી ટ્રક એકબાજુ નમી ગઈ.
સદનસીબે જાનહાનિ ટળી:ટ્રક પલટી ન ખાતા મોટી દુર્ઘટના અટકી; ઇંટો ખાલી કર્યા બાદ ટ્રક બહાર નીકળી શકી.
બે મહિનાનું લિકેજ:નાગરિકોની રજૂઆત બાદ માંડ કામ થયું, પણ ઈજારદારે કામ પૂરું કરવામાં વેઠ ઉતારી.
તંત્ર સામે સવાલો: શું પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કામગીરીનું સુપરવિઝન કરવામાં નિષ્ફળ રહ્યા છે?
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકા અને તેના મળતિયા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર પાણીની મુખ્ય લાઈનના રિપેરિંગ બાદ કરવામાં આવેલી નબળી કામગીરીને કારણે આજે એક ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ જવાની ઘટના બની હતી.
👇ઘટનાની વિગત:
પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા રોડ પર છેલ્લા બે મહિનાથી પાણીની મેઈન લાઈન લિકેજ હતી. સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ થોડા દિવસો પહેલા જ પાલિકાના ઈજારદાર દ્વારા તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. જોકે, કામ પૂરું થયા બાદ જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. માત્ર ઉપરછલ્લી કામગીરી કરીને ઈજારદારે સંતોષ માન્યો હતો.
🚛ટ્રક ફસાઈ અને અરેરાટી વ્યાપી:
આજે સવારના સમયે ઈંટો ભરેલી એક ટ્રક આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે નબળા પુરાણને કારણે ટ્રકના પાછળના ટાયર અચાનક જ જમીનમાં ખૂંપી ગયા હતા. ટ્રક એકાએક એકબાજુ નમી પડતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ટ્રક આખી પલટી ન હતી, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત. અંતે ટ્રકને બહાર કાઢવા માટે તેમાં ભરેલી તમામ ઈંટો ટ્રેક્ટરમાં ખાલી કરવી પડી હતી અને ભારે જહેમત બાદ ટ્રકને બહાર કઢાઈ હતી.
🧐પાલિકાના ઈજારદારો સામે રોષ:
આ ઘટનાએ ફરી એકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.શું ફોટો સેશન માં વ્યસ્ત અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને કાગળ પર કામગીરી તપાસે છે? લાઈન રિપેર થયા બાદ રોડનું લેવલિંગ કેમ કરવામાં આવ્યું ન હતું? સ્થાનિક રહીશોમાં અત્યારે પાલિકાની આવી ‘કહેવા પૂરતી’ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
🫵એક બાજુ ચોમાસું નજીક છે ત્યારે જો શહેરના મુખ્ય માર્ગો પર આવી અર્ધકચરી કામગીરી થતી રહેશે, તો આગામી દિવસોમાં મોટી હોનારત સર્જાઈ શકે છે.