Padra

પાદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં નવા બ્રિજ માટેના પ્રયત્નો શરૂ કરાયા

Published

on

  • નવા બ્રિજ માટેના પ્રયત્નો શરૂ કરાયા
  • એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
  • કન્સ્ટ્રક્શન કંપનીએ 166 કરોડનું ટેન્ડર ભર્યું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો બ્રિજ બનવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

9 જુલાઈએ સવારે ગંભીરા બ્રિજ પર વાહનોની અવર-જવર ચાલુ હતી ત્યારે બ્રિજ પરનો એક સ્પાન તૂટી જતા બ્રિજના બે કટકા થઈ ગયા હતા. જેમાં અનેક વાહનો મહીસાગર નદીના પાણીમાં ખાબક્યા હતા તો કેટલાંક વાહનો બ્રિજ પર લટકાઈ ગયા હતાં. આ ઘટનામાં 21 વ્યક્તિના મોત નિપજ્યા છે.

ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્ત્વનો બ્રિજ હતો. આશરે 43 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બંને જિલ્લાના લોકોની અવરજવર પર અસર પડી હતી. આ સ્થળે નવો બ્રિજ બનાવવાની તાત્કાલિક જરૂર હોવાથી તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કન્સ્ટ્રક્શન કંપનીએ 166 કરોડનું ટેન્ડર ભર્યું હતું જેને મંજૂરી મળતાં જ 14 ઓગસ્ટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલોપ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા મશિનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની સાથે જ ફાઉન્ડેશનનું પણ કામ હાથ ધરાશે.

હાલમાં નદીમાં પાણી હોવાથી કેમ્પ સાઇટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 13 સપ્ટેમ્બર 2026 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડરમાં જણાવાયું છે. આ બ્રિજ અંગે આજે ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક પણ યોજાઈ હતી.

Trending

Exit mobile version