ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળવામાં પાલિકાના અધિકારીઓને ખૂબ સારી ફાવટ આવી ગઈ છે. જેના કારણે પાલિકાની કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થતી નથી. આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રુટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણ શાખા પહોંચે તે પહેલા જ લારીધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી દેવામાં આવી હતી આખરે દબાણ શાખાએ દેખાડા પૂરતી કામગીરી કરીને સંતોષ માન્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે હરણી બોટ દુર્ઘટનામાં 14 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધિશો સફાળા જાગ્યા હતા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. દસ વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું. જ્યારે કેવડા બાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરીત થઇ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાધ્યું હતું.
આવા તો અનેક કિસ્સાઓ છે, જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે. જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દીવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચાલવામાં આવતા ફ્રુટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રુટના પથારાવાડાઓને માહિતી મળી ગઈ હતી, જેથી તેઓએ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો. દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કઈ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખા એ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રુટ બજાર ના આડેધડ દબાણો કાર્યરત છે. અનેક સત્તાધિશો આવ્યા અને ગયા છતાં પણ ખંડેરાવ માર્કેટ નજીકના દબાણો દૂર થતા નથી. સમગ્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારને પણ સ્માર્ટ બનાવી શક્યા નથી તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે.