રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને રાજ્યના શહેરોમાં તૂટેલા રસ્તા પરના ખાડાઓ અને પુલોના ધોવાણ અંગે હાઈલેવલ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત 17 મ્યુનિસિપલ કમિશનરોથી લઈને 171 નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરો, 33 જિલ્લાના ડીડીઓ અને માર્ગ મકાન વિભાગના સચિવને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.
Advertisement
મુખ્યમંત્રીની સૂચના બાદ સફાળા જાગેલા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે પાલિકા કચેરીએ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ, ડ્રેનેજ અને પાણીપુરવઠાની કામગીરી કરતા ઇજારદારોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં પડેલા ખાડાઓ અને ભુવાઓ અંગેની માહિતી ઇજારદારો તેમજ અધિકારીઓને દર્શાવવામાં આવી હતી.સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ એટલે કે DLP માં આવતા રસ્તાઓમાં જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય અને રીપેરીંગનું કામ ન કરે તે કિસ્સામાં તંત્રએ કોઇ પગલાં ન લીધા તો સીધી કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં આવશે.જેને લઇને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે.
જે રસ્તાઓ પર ખાડાઓ કે ભુવાઓ પડ્યા છે તે રસ્તાઓ પર તાત્કાલિક સમારકામ માટે ઈજારદારો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા એક મહિનામાં કામગીરીમાં બેદરકારી દાખવનારા પાલિકાના 10 ઇજનેરોને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.