વડોદરા મહાનગર પાલિકાના અનગઢ વહીવટદારો એક તરફ માતાના નામે વૃક્ષારોપણ કરે છે અને બીજી તરફ ભરચોમાસે આખેઆખા વૃક્ષનું કટિંગ પણ કરી નાખે છે. જે વૃક્ષને શહેરની શોભા વધારવા રંગ રોગાણ કરાવ્યું હતું તે જ વૃક્ષ ગણતરીના મહિનાઓમાં પાલિકાના અધિકારીઓને નડવા લાગ્યું અને આજે ચાલુ વાહનવ્યવહાર દરમિયાન વૃક્ષને ધરાશાયી કરી દેવામાં આવ્યું છે.
Advertisement
વડોદરા મહાનગરપાલિકાના સમજુ સત્તાધીશો માટે એમની અક્કલનું પ્રદર્શન કરતા આજે જોવા મળ્યાં હતાં. થોડા સમય પહેલા જ શહેરના અનેક ઠેકાણે ગ્રેફિટી પેઇન્ટિંગ કરવામાં આવી હતી. જેમાં રસ્તા વચ્ચે રોપાયેલા વૃક્ષો પર પણ ચિત્રકામ કરવામાં આવ્યું હતું. શહેરની શોભા વધારવા માટે કરવામાં આવેલા ચિત્રકામમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવામાં આવ્યો હતો.આ સમજુ સત્તાધીશો હવે એ ચિત્રકામ સહિતના વૃક્ષોને ધરાશાયી કરી રહ્યા છે.
તાજેતરમાં ભાજપના સત્તાધીશો “એક પેડ માઁ કે નામ” કેમ્પઈન હેઠળ એક વૃક્ષ વાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકતા નજરે ચઢયા હતા. આ પ્રતિકાત્મક પોસ્ટ થી તેઓ નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપવા માંગતા હતા. જ્યારે બીજી તરફ આજે સમાં રોડ પર ધોળે દિવસે પાલિકાના ઇજારદારના માણસો વૃક્ષનું છેદન કરતા નજરે ચઢયા છે.
Advertisement
વૃક્ષનું છેદન જરૂરી પણ હોય તોય, 2024માં સર્જાયેલી આટઆટલી દુર્ઘટનાઓ બાદ પણ પાલિકાના ઇજારદારે કોઈ બોધપાઠ લીધો નથી. એકતરફ રસ્તા પર ટ્રાફિક ધમધમી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઇજારદારના માણસો વૃક્ષ કાપી રહ્યા હતા. ચાલુ ટ્રાફિકમાં વૃક્ષ ધરાશાયી થાય તો જવાબદાર કોણ?, એટલું જ નહીં વૃક્ષ કાપવાની જવાબદારી લેનાર ઇજારદાર કે તેનો કોઈ જવાબદાર વ્યક્તિ પણ સ્થળ પર હાજર હતો નહીં. ફક્ત કામદારોના ભરોસે વૃક્ષ છેદન કરવામાં આવતું હતું. આવી ઘોર બેદરકારી કરનાર પાલિકાના ઇજારદારો સામે પાલિકા શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.