- મહિલાઓએ ગરબામાં પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, અવરજવર હૉય તે રસ્તો પસંદ કરવો
નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની ટીમ મદદ, માગૅદશૅન અને બચાવ માટે તૈનાત રહેશે. નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ગરબા સ્થળે એકત્રિત થાય છે. જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ફરજ બજાવશે.
ગુજરાત સરકારની અભિનવ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે. જે મહિલાઓમાં વધુને વધુ વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે.
અભયમ ટીમની ૨૪*૭ સેવાઓ કાયમી હૉય છે. જેઓ પિડીત મહિલાઓને સમયસર મદદ, માગૅદશૅન અને બચાવની અગત્યની કામગીરી ફરજના ભાગરૂપે બજાવે છે. વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સ્થળે, આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરશે. જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે. ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે કે, ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિની અવરજવર હૉય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી.
અભયમ સેવાઓ ઝડપથી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલીના સમયે ઝડપથી આપના સુઘી સેવાઓ પહોંચાડી શક્શે.
કોઈપણ સતામણી કે શંકા હોય તો તરત જ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કે ૧૦૦ નંબરનો સંપર્ક કરવો.