શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પરથી પસાર થઇ રહેલા ચાલકનું રોડ ઉપર પટકાતા મોત નિપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં યુવાન ચાલુ મોપેડ ઉપરથી પટકાતા જણાય છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં શહેરના ગોત્રી કર્મ-જ્યોત સોસાયટીમાં રહેતા સુરેશભાઇ મુરલીધર ચૌધરી ( ઉ.વર્ષ- 45) નું મોત નિપજ્યું છે. સીસીટીવ ફૂટેજ મુજબ તેઓ ચાલુ મોપેડ ઉપરથી પટકાતા જણાય આવે છે. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
સ્થળ ઉપર દોડી આવેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં રવાના કર્યો હતો. પરંતુ માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનુ હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલમાં યુવાનને લઇ ગયા બાદ ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
દિવાળી પુરા કોર્ટ રોડ ઉપર અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને આ યુવાનનુ ચોક્કસ કેવી રીતે મોત નિપજ્યું તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મોતને ભેટેલ સુરેશભાઇ ચૌધરીએ હેલ્મેટ પહેર્યું હતું કે નહીં, તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેશભાઇના મોતના સમાચાર પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં પરિવાર જનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.