વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. જેમાં કંપનીના સંચાલકો માતબર રકમ બચાવવા માટે કામદારોના જીવને જોખમમાં મૂકી દે છે. આજે નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં સુદકેમી કંપની આવેલી છે. જે કંપનીના એક પ્લાન્ટ માંથી બીજા પ્લાન્ટમાં ખૂબ જ વજનદાર લોખંડનો બોઇલર જેવો પાર્ટ ક્રેઇન મારફતે શિફ્ટ કરી રહ્યા હતા. આ કામગીરીમાં સેફટીને ધ્યાને રાખીને કોઈ ટ્રેલર કે ટ્રકનો ઉપયોગ કરવો જોઈએ, તેના બદલે ક્રેઇન પર બાંધીને લટકતી હાલતમાં એક પ્લાન્ટ માંથી કાઢીને રોડ પર જોખમી રીતે લટકવીને લઈ જવામાં આવતો હતો.
જે દરમિયાન ક્રેઇન પર લટકતી હેવી ટાંકીનો બેલ્ટ તૂટી પડતા ક્રેઇન નીચે આવી જતા એક કર્મચારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મારનાર શરીફખાન પ્યારાસાહેબ રાઠોડ સુદકેમી કંપનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જ્યારે નંદેસરી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક વાર કામદારોના મોતની ઘટનાઓ બની રહી છે. થોડા દિવસ અગાઉ પણ એક કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જ્યારે ઉદ્યોગો પોતાનો માતબર ખર્ચ બચાવવાની લ્હાયમાં કામદારોના જીવ જોખમમાં મૂકે છે.