માંડવી ગેટ હોય કે પછી, ન્યાય મંદિર, કે પછી અન્ય કોઇ ઐતિહાસિક ઇમારત, તેની જાળવણીમાં તંત્ર વાતો સિવાય કોઇ કામ કરતું નથી.
- ગાયકવાડી શાસનની ઐતિહાસિક ઇમારતોની હાલત બદતર
- વહીવટી તંત્ર સહેજ પણ ધ્યાન આપતું નથી
- જુના ન્યાય મંદિરની જવાબદારી સોંપાય તો વકીલ મંડળ તૈયાર
વડોદરા ની કોર્ટ પહેલા સુરસાગર ખાતે આવેલા ન્યાય મંદિર ખાતે ચાલતી હતી. જો કે, વર્ષોથી નવી કોર્ટમાં કામગીરી શિફ્ટ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ ઐતિહાસિક ઇમારતની સહેજ પણ જાળવણી કરવામાં આવતી નથી. જેને જોઇને શહેરના સામાન્ય નાગરિકોથી લઇને એક સમયે વકીલાત સમયથી બંધનથી જોડાયેલા વકીલોમાં ચિંતા છે.
આજે વડોદરા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે કે, જુની ન્યાય મંદિર અદાલતમાં સાફસફાઇ વગેરે કબ્જેદારોથી ના થઇ શકે તેમ હોય તો, તેવા સંજોગોમાં આ કામ વકીલ મંડળને સોંપવામાં આવશે, તો અમે હર્ષભેર કરવા તૈયાર છીએ. સાથે જ યોગ્ય પ્રતિસાદ મળ્યેથી કામ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
વડોદરા પાસે ઐતિહાસિક વારસાનો ખજાનો છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. માંડવી ગેટ હોય કે પછી, ઐતિહાસિક ન્યાય મંદિર, કે પછી અન્ય કોઇ ઐતિહાસિક ઇમારત, તેની જાળવણીમાં તંત્ર વાતો સિવાય કોઇ કામ કરતું નથી. તાજેતરમાં ઐતિહાસિક ન્યાય મંદિર એટલેકે જુની કોર્ટની દિવાલો પર ઝાડ ઉગી નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું.
જે અંગે સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા સોશિયલ મીડિયામાં દુખની લાગણી વ્યક્ત કર્યા બાદ તંત્ર જાગ્યું હતું. અને સાફસફાઇ કરાવી હતી. વડોદરાની જુની કોર્ટ જોડે સામાન્ય નાગરિકોથી લઇને ત્યાં વકીલાત કરીને આગળ આવેલા વકીલો તથા અસીલોની લાગણી જોડાયેલી છે. જેને પગલે વડોદરા વકીલ મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અફસોસ થઇ રહ્યો છે. જો જુની અદાલતનો કબ્જો છોડ્યો ના હોત તો આ ન્યાય મંદિરની આવી કફોડી હાલત કદાપી ના થઇ હોત. તંત્ર કુંભકર્ણની ભૂમિકા ભજવી રહ્યું છે.
આ જુની અદાલતમાં કબ્જેદારોથી સાફસફાઇ ના થઇ શકે તેમ હોય તો આ કામ જો વડોદરા વકીલ મંડળને સોંપવામાં આવશે, તો અમે પોતાના ખર્ચે હર્ષભેર, રાજીખુશી અને તૈયાર છીએ, યોગ્ય પ્રતિસાદ મળ્યેથી આ કામ કરવાની પણ તમામ પ્રકારની તૈયારી છે.