વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે વડોદરા સહિત દેશભરમાં કંપનીઓને લગતા 40 ઠેકાણા પર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નવા વર્ષ બાદ પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આટલા વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું કે ગુજરાત ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર 2023 માં કંપની દ્વારા IPO ઈશ્યુ કરવામાં આવ્યો છે.
વર્ષ પૂર્ણ થવાના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરચોરો પર મોટી કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ IT વિભાગ દ્વારા બિલ્ડર, જવેલર્સ, ફટાકડા સ્ટોર સહિતના સ્થળોએ રાજ્યભરમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું હતું.
તો આજે વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આર આર કાબેલના વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ સહિત દેશભરમાં 40 વિવિધ ઠેકાણે IT ની ટીમોના દરોડા જારી છે. માત્ર કંપની પરિસર અને ઓફિસો જ નહીં પણ IT દ્વારા સમગ્ર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને પણ દરોડામાં સમાવી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આર આર કાબેલ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા બેનામી વ્યવહારો પકડાવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. આ સાથે જ નવા વર્ષમાં પણ ઇન્કમટેક્સ વિભાગ કરચોરો સામે આકરી કાર્યવાહી કરવાના મુડમાં હોવાનું ફલિત થઈ રહ્યું છે.
IT દ્વારા કંપનીના હિસાબો, ખરીદ-વેચાણ ના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતની માહિતીની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ તપાસના અંતે શુ બહાર આવે છે તેના પર સૌકોઈની નજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર 2023 માં જ કંપની દ્વારા IPO ઈશ્યુ કરવામાં આવ્યો છે. તે બાદ આટલા ટૂંકા ગાળામાં ઇન્કમટેક્સ વિભાગની આટલી મોટી કાર્યવાહી અનેક સવાલો ઉભા કરે તેમ છે.