વડોદરામાં મોટા વાહનોની ગફલતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. તાજેતરમાં અટલ બ્રિજ પર ડમ્પરે કારને મોટું નુકશાન પહોંચાડ્યાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આજે સવારે શહેરના નટુભાઇ સર્કલ પાસે લક્ઝરી બસે અથાડતા ધડાકાભેર થાંભલો પડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે ઘટેલી ઘટનાના કારણે જાનમાલનું કોઇ નુકશાન થયું ન્હતું. જો કે, વાહન વ્યવહાર પર તેની અસર પડી હતી.
વડોદરામાં અવાર-નવાર મોટા વાહનોના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ તેને નાથવામાં પોલીસને જોઇએ તેટલી સફળતા મળી નથી. ત્યારે આજે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વહેલી સવારે ઘટના ઘટી હોવાના કારણે જાનમાલનું નુકશાન થયું નથી. આજે સવારે નટુભાઇ સર્કલ પાસે આવેલા ટ્રાફીક સિગ્નલના થાંભલા જોડે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ છે.
આ લક્ઝરી બસ એટલી જોરમાં ભટકાઇ કે અહિંયા મુકેલો ટ્રાફીક સિગ્નલનો થાંભલો ધડાકાભેર તુટીને પડ્યો છે. આ ઘટના ટાણે મોટા ધડાકાને પગલે આસપાસના લોકોમાં ભય પ્રસર્યો છે. લક્ઝરી બસ ટ્રાફીક સિગ્નલના ભારદાર થાંભલાને તોડીને તેના પર ચઢી ગઇ હોવાના દ્રશ્યો પણ સપાટી પર આવ્યા છે. આ ઘટનામાં વહેલી સવાર હોવાથી મોટુ જાનમાલનું નુકશાન ટળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાફીક સિગ્નલના થાંભલાનું ફાઉન્ડેશ બસના નીચેના ભાગમાં ઘૂસી જતા મોટું નુકશાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઇ રહી છે.
શહેરના વ્યસ્ત રહેતા ચાર રસ્તાઓ પૈકી એક નટુભાઇ સર્કલ છે. આ સર્કલની એક તરફ ફ્રુટ્સ અને લારીઓ વાળા ઉભા રહે છે. તો બીજી તરફ બેકરી, પેટ્રોલ પંપ અને મોટું કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલું છે. આ ઘટના મોડા થઇ હોત તો સ્થિતીનીનો અંદાજો લગાડવો મુશ્કેલ હોત. બેફામ ગતિએ દોડતા મોટા વાહનો પર લગામ કસવા માટે પોલીસે વધુ કમર કસવી પડશે.