હાલમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે. જેમાં રજા હોવાના કારણે પરિવારો બહાર જવાનું પસંદ કરે છે. વડોદરાનો અગ્રવાલ પરિવાર દિવાળીની રજામાં ઓમકારેશ્વ પહોંચ્યો હતો. જ્યાં તેમને ખરીદી કરતા સ્થાનિક વેપારી જોડે કડવો અનુભવ થયો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. દિપ અગ્રવાલ નામના યુવકનું કહેવું છે કે, ઓમકારેશ્વરના બજારમાં તેમના માતાએ બગસરાની ઈમીટેશન જ્વેલરીનો ભાવ પુછ્યો હતો. ત્યાર બાદ તેમના માતાએ વધુ સવાલો પુછતા, વેપારીને ગમ્યું ના હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો. આખરે ઉગ્ર બનેલા વેપારીએ વડોદરાના પરિવારના આધેડના માથે લાકડાનો ફટકો મારી દેતા તેમનું માથું ફૂટ્યું હતું. વડોદરાના યુવકનો આરોપ છે કે, તેમણે સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ આવ્યા હતા. પરંતુ પીડિતની જગ્યાએ પોલીસે સ્થાનિક વેપારી તરફ ઝૂકાવ વધારે રાખ્યો હતો.
આ તમારી ઓકાત બહારની વસ્તુ છે
વડોદરાના યુવક દિપ અગ્રવાલનું કહેવું છે કે, અમે વડોદરાના છીએ. અમે ઓમકારેશ્વર ફરવા આવ્યા હતા. દરમિયાન મારા માતાએ દુકાનદારને વસ્તુનો ભાવ પુછ્યો હતો. તેણે રૂ. 40 હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મારા માતાએ પૂરક સવાલ પુછ્યો કે, આ કાળું તો નહીં પડી જાય ને, ત્યાર બાદ તેમની માતાએ બીજી વસ્તુનો ભાવ પુછ્યો હતો. જેમાં વેપારીએ કહી દીધું કે, આ તમારી ઓકાત બહારની વસ્તુ છે, તમે નહીં લઇ શકો, તમે અહીંયાથી નીકળી જાઓ. આ બાદ લાકડાથી મારા મામા અને મારા ભાઇને માર્યું છે. જેમાં તેમને લોહી પણ નીકળ્યું છે.
ગ્રાહક જોડે દુશ્મન જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે
વધુમાં દિપ અગ્રવાલે જણાવ્યું કે, અમે પોલીસ વાળાને ફોન કરતા તેઓ આવ્યા હતા. પરંતુ તેમણે પીડિતની જગ્યાએ સામે વાળા (આરોપી પક્ષ) ની ફરિયાદ લખી છે. અત્રે નોંધનીય છે કે, એક તરફ દેશવાસીઓ દેશમાં જ અલગ અલગ જગ્યાઓ પર ફરે તે વાત પર સરકાર જોર મુકી રહી છે. અને બીજી તરફ સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાહક જોડે દુશ્મન જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓ પરથી પ્રવાસીઓને વિશ્વાસ ઉઠી જશે, તે નક્કી છે.