વડોદરામાં તસ્કરોને નિશાને હવે જ્વેલરી શોપ હોવાની ઘટનાઓ સતત બે દિવસથી સામે આવી રહી છે. ગતરોજ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લાડલા જ્વેલર્સ નામની શોપમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ કેસ હજી તો ઉકેલાયો નથી ત્યાં તો શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને આવેલી દુકાનમાં તસ્કરો સોના-ચાંદી સહિત ડીવીઆર, કેમેરા લઇને પલાયન થયા છે. આ ઘટનાને પગલે પોલીસ પેટ્રોલીંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
અત્યાર સુધી મકાનોને નિશાન બનાવતા તસ્કરોની નજર હવે જ્વેલરી શોપ પર છે. આજે સતત બીજા દિવસે જ્વેલર્સને ત્યાં ચોરીની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં મુખ્યમાર્ગને અડીને આવેલી શ્રીજી જ્વેલર્સ નામની શોપમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. તસ્કરો અહીંયાથી ચોના-સાંદીના ઘરેણા સહિત ડીવીઆર, કેમેરા પણ લઇને ગયા છે. તસ્કરોએ ગેસ કટરથી સેફ તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા ત્યાં જ સામાન મુકીને પલાયન થઇ ગયા હતા. આ મામલે કારેલીબાગ પોલીસને જાણ થતા સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
કારેલીબાગમાં જાહેર માર્ગ નજીક આવેલા શ્રીજી જ્વેલર્સના સંકેત મોદી જણાવે છે કે, સવારે મારા ભાઇના સાળાએ ફોન કરીને જણાવ્યુ્ં કે, તમારી શોપનું શટર અદ્ધર થઇ ગયું છે. એટલે અમે જોવા આવ્યા. અમે આવ્યા ત્યારે અમારી શોપમાં બહાર મુકેલી સોના-ચાંદીની આઇટમો, ગ્રાહનોનું રીપેરીંગ માટે આવેલા ઘરેણા, તે બધુ તસ્કરો લઇને જતા રહ્યા છે. તસ્કરો ડીવીઆર, કેમેરા કોમ્પ્યુટર પણ સાથે લઇ ગયા છે. શોપમાં ગેસ કટર થકી સેફ તિજોરી તોડવાની કોશિસ કરી છે, પરંતુ તે તુટી નથી. એટલે તેમાં મુકેલો સામાન બચી ગયો છે. અંદર બધુ અસ્ત-વ્યસ્ત હતું. ગેસ કટર પણ અંદર જ હતું, પરંતુ ગંધાતુ હોવાના કારણે તેને અમે બહાર કાઢ્યું છે. હજીસુધી કેટલું નુકશાન થયું છે, તેની ગણતરી બાકી છે. મોટી ચોરી હોવાથી હાલ મુદ્દામાલ અંગે કોઇ અંદાજો લગાડવો મુશ્કેલ છે.આ બનાવ સવારે પાંચ વાગ્યે બન્યો હોવાનો અંદાજ છે.
સ્થાનિકે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, પોલીસ ખુલ્લેઆમ ગેસ કટર લઇને આવે છે, ત્યારે પોલીસને કેમ ખબર ન પડી ?, આ કરવામાં તસ્કરોને ઓછામાં ઓછા 2 કલાક જેટલો સમય લાગ્યો હશે. શું ત્યાં સુધી વિસ્તારમાં પોલીસનો એક પણ ફેરો નહી થયો હોય !