Vadodara

વડોદરામાં 24 કલાકમાં આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા,ડેન્ગ્યુના 55 કેસ નોંધાયા

Published

on

શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવી છે. માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

  • સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો
  • મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.
  • મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા .

શહેર હાલમાં બેવડી ઋતુના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે. આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મૂકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે.

શહેરમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જોકે આમાંથી મોટા ભાગના કેસો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ચિકનગુનિયાના 14 શંકાસ્પદ કેસ પણ સામેલ છે. પાણીજન્ય રોગોની વાત કરીએ તો, ટાઇફોઇડના 32 શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે પૈકી એક કેસ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ, વાયરલ ઇન્ફેક્શનના 45 કેસો સામે આવતા દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતાની કામગીરી વધુ સઘન કરવાની તાતી જરૂર છે.

જ્યારે રોગચાળાને કાબૂમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા VMC દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જોકે, માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી. જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થવા દે, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી જ ફેલાય છે. ફુલદાની, ટાયર કે કૂલરના પાણીને નિયમિતપણે બદલવું જરૂરી છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે કેતા કપડાં પહેરવા એ પણ મહત્ત્વનું છે. જો તાવ, સાંધાનો કે શરીરે લાલ ચાંઠા જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. રોગચાળો હરાવવા માટે જનભાગીદારી અને તંત્રનો સહયોગ અત્યત આવશ્યક છે.

Trending

Exit mobile version