વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કરજણના ભરથાણાં ટોલનાકા પાસે બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં લાવવામાં આવેલા વિદેશી શરાબના મોટા જથ્થાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. શરાબનો જથ્થો લાવવાં માટે આઇસર ટેમ્પોમાં ખાસ ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
વડોદરા જિલ્લા LCB પોલીસના PSI આર.બી વાનર અને તેઓની ટીમને બાતમી મળી હતી કે, એક રાજસ્થાન પાર્સિંગના આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત,ભરૂચ થઈને વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે કરજણ નજીક ભરથાણાં ટોલ નાકા પાસે LCBની ટીમે વોચ ગોઠવી હતી. જ્યાં રાજસ્થાન પાસિંગની આઇસર આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.
આઇસર ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મનોહરલાલ બિશ્નોઈ રહે. જાલોર, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. આઇસરમાં પાછળના ભાગે તપાસ કરતા લોડિંગ એરિયા ખાલી હતો,જોકે ડ્રાઇવર કેબીન પાછળ ચોરખાનું બનાવેલું મળી આવતા પોલીસે તેમાં તપાસ કરતા વિવિધ મારકાની વિદેશી શરાબની 209 પેટી મળી આવી હતી.
LCB પોલીસે 10 લાખની કિંમતની શરાબ,10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો તેમજ મોબાઈલ ફોન તેમજ એક GPS મળીને 20,18,200નો મુદ્દામાલ કબ્જે લઈને ચાલકની ધરપકડ કરી છે.