તાજેતરમાં, #GhibliTrend અને #NanoBananaTrend જેવા AI-આધારિત ટ્રેન્ડ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લોકો પોતાના ફોટાને AI અવતારમાં ફેરવી રહ્યા છે, અને આ પ્રવૃત્તિ ખૂબ જ લોકપ્રિય બની છે.
AI ટ્રેન્ડ્સમાં તમારી ડિજિટલ સેફ્ટી કેવી રીતે જાળવશો?👨🏻💻
- આ મનોરંજનની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે.
- ઘણા યુઝર્સ વિચાર્યા વગર જ પોતાનો ડેટા અપલોડ કરી દે છે,
- જેનાથી ભવિષ્યમાં સાયબર જોખમ ઊભું થઈ શકે છે.
Article by: Nitin Shrimali – Cyber Expert
જ્યારે તમારી ડિજિટલ આઇડેન્ટિટી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કાયમી રહે છે. તમે જ્યારે પણ ઓનલાઇન કોઈ ફોટો, વિડિયો કે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો, ત્યારે તે ડેટાનો કાયમી રેકોર્ડ બની જાય છે. ભલે તમે તેને ડિલીટ કરી દો, તેની કોપી સર્વર્સ, કેશ સિસ્ટમ્સ અથવા અન્ય યુઝર્સના ડિવાઇસમાં રહી શકે છે. આ જ ડેટાનો ઉપયોગ ઘણીવાર ખોટા હેતુઓ માટે થાય છે, જેનાથી ડેટા લીક થવાનું કે તેનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. દરેક અપલોડ ડેટા બને છે, અને એકવાર અપલોડ થયા પછી તેના પર તમારું નિયંત્રણ 100% નથી રહેતું. આ જ કારણે મોટી સંખ્યામાં યુઝર્સની પર્સનલ માહિતી હેકર્સના હાથમાં પહોંચી શકે છે.
આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ ડેટાના દુરુપયોગ માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. ઉદાહરણ તરીકે, તમારા ચહેરાના ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી શકાય છે, અને તમારા ડેટાનો ઉપયોગ ફિશિંગ મેસેજીસ, આઇડેન્ટિટી ક્લોનિંગ, અથવા AI-આધારિત લોન ફ્રોડ્સ માટે પણ થઈ શકે છે. એક સામાન્ય ફોટો પણ સાયબર ક્રાઇમ માટે હથિયાર બની શકે છે.
સાયબર એક્સપર્ટ નિતિન શ્રીમાળીના મતે, “સાયબર હાઇજીન એ સીટબેલ્ટ જેવી છે. અકસ્માત 100% ટાળી શકાતો નથી, પરંતુ સીટબેલ્ટ વગર જીવવાની શક્યતા લગભગ શૂન્ય છે. તેવી જ રીતે, ડિજિટલ સાવચેતી વગર સાયબર ફ્રોડથી બચવું મુશ્કેલ છે.”
સાયબર એક્સપર્ટ દ્વારા ડિજિટલ સેફ્ટી માટે સૂચવાયેલા કેટલાક મહત્વપૂર્ણ પગલાં:
- નિયમો અને શરતો (Terms & Conditions) વાંચો: કોઈપણ એપ્લિકેશન કે વેબસાઇટ પર ડેટા અપલોડ કરતા પહેલા તેની પરવાનગીઓ અને શરતો ધ્યાનપૂર્વક વાંચો.
- અજાણ્યા પોર્ટલ સાથે કનેક્ટ ન કરો: તમારા ઓફિશિયલ ઇમેઇલ આઇડીને અજાણી AI વેબસાઇટ્સ કે એપ્સ સાથે લિંક કરવાનું ટાળો.
- પરમિશનનું રિવ્યૂ કરો: તમારા મોબાઇલ એપ્સને આપેલી કેમેરા, માઇક, લોકેશન જેવી સંવેદનશીલ પરમિશન નિયમિતપણે તપાસો અને જે જરૂરી ન હોય તે બંધ કરી દો.
- ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ રાખો: તમારા એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે હંમેશા 2FAનો ઉપયોગ કરો.
વાયરલ ટ્રેન્ડ્સ ક્રીએટિવિટી માટે સારા છે, પરંતુ બેફામ ડેટા શેરિંગ અને AI નો દુરુપયોગ ભવિષ્યના સાયબર ફ્રોડ્સ માટે સીધું આમંત્રણ છે. સ્માર્ટલી AI નો ઉપયોગ કરો, સાયબર હાઇજીનનાં ધોરણોનું પાલન કરો. પીડિત બનવાને બદલે, એક જાગૃત ડિજિટલ નાગરિક બનો.