મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જયશ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે. ત્યાંના રેકટર પણ ઊંઘતા ઝડપાયા છે.
હાલ આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. રાજ્યના DGP અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સર્કિટ હાઉસ પહોંચ્યા હતાં. જેની થોડી વાર બાદ IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક અને ક્રાઇમ JCP નીરજ બડગુજર સર્કિટ હાઉસ પહોંચ્યા છે. હાલમાં સાયબર ક્રાઇમના DCP અજિત રાજીયન સર્કિટ હાઉસ પહોંચ્યા છે. તો ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી છે.