અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે
પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે.
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યા.
જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સોમવારે (25મી ઓગસ્ટ) વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે રોકી દેવામાં આવી છે.
સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણાં રોડ બંધ કરાયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણાં નાના પુલ પણ ધોવાઈ ગયા છે. પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ છે.
રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની સાથે જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવતું પૂર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારાના ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે અને કોઈપણ નુકસાનથી બચવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે.