અપૂરતા અને પ્રદૂષિત પાણી પુરવઠાને કારણે રોગચાળો ફેલાયો હોવાનું કહેવાયું.
વિદ્યાર્થીઓએ અગાઉ અનેકવાર ફરિયાદ છતાં કાર્યવાહી ન થતાં ગુસ્સો ફાટી નીકળ્યો.
પોલીસ અને તંત્ર ઘટના સ્થળે હાજર; હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.
મધ્યપ્રદેશના સિહોરમાં આવેલી વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે VIT યુનિવર્સિટીમાં ગઈકાલે મોડી રાત્રે Gen Zના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો.
આ દરમિયાન, વિદ્યાર્થીઓએ VC ની કાર તથા એક યુનિવર્સિટી બસને આગ લગાવી દીધી હતી.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા દિવસોથી કમળો રોગ ફેલાઈ રહ્યો છે. ચાર વિદ્યાર્થીના મોત થયા હોવા છતાં, વહીવટીતંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અપૂરતા પાણી પુરવઠાને કારણે રોગચાળો ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ઈન્દોર-ભોપાલ રોડ પર આવેલી સિહોર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત ફરિયાદ કરી રહ્યા હતા. તેમણે VC, ડીન અને અન્ય અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હતી, છતાં યોગ્ય કામગીરી થઈ ન હોવાથી વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા.
આ ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર કેમ્પસમાં પહોંચી ગયું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ યુનિવર્સિટીની વ્યવસ્થાપન ટીમ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ હજી યથાવત છે.