ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશે.
જાણો આ આદેશમાં વધુ શું કહેવામાં આવ્યું છે.
બાગ્લાદેશી અને અફઘાની લોકોની નાગરિકતાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિણર્ય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના સભ્યોને પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
PTI અનુસાર, ગયા વર્ષે લાગુ કરાયેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ ઉત્પીડિત લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. તાજેતરમાં લાગુ કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકતા) અધિનિયમ, 2025 હેઠળ જાહેર કરાયેલ આ મહત્વપૂર્ણ આદેશ 2014 પછી ભારત આવ્યા હતા, તેવા મોટી સંખ્યામાં લોકોને અને તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને, રાહત આપશે.
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, “અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો, એટલે કે હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ, જેઓ ધાર્મિક અત્યાચાર અથવા તેના ડરને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં માન્ય દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશ્યા હતા, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.”
નેપાળ અને ભૂટાનના નાગરિકો જો સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા રહેવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર રહેશે નહીં. આ વ્યવસ્થા પહેલાની જેમ ચાલુ રહેશે. જોકે, જો કોઈ નેપાળી અથવા ભૂટાન નાગરિક ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનથી ભારત આવે છે, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત રહેશે.
એજ રીતે, ભારતીય નાગરિકોને નેપાળ અથવા ભૂટાનની સરહદ દ્વારા ભારત આવવા અને જવા માટે પાસપોર્ટ અથવા વિઝાની જરૂર નથી, પરંતુ જો તેઓ નેપાળ અથવા ભૂટાન સિવાય અન્ય કોઈપણ દેશમાંથી (ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાન સિવાય) ભારત પાછા ફરે છે, તો તેમણે માન્ય પાસપોર્ટ બતાવવો પડશે. તે જ સમયે, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓ, જેઓ ફરજ પર ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અથવા છોડી રહ્યા છે, અને તેમના પરિવારના સભ્યો (જો તેઓ સરકારી પરિવહન સાથે મુસાફરી કરી રહ્યા છે) ને પાસપોર્ટ અથવા વિઝાની જરૂર રહેશે નહીં.