✈️ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સમાં કર્મચારીઓના અભાવને કારણે સર્જાયેલી અસ્થિરતા અને દેશભરમાં અનેક ફ્લાઇટો રદ થવાના મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આ સંકટને માત્ર મુસાફરોની હેરાનગતિ જ નહીં, પણ અર્થતંત્રને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું છે.
🏛️ દિલ્હી હાઇકોર્ટના આકરા પ્રહારો
ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવા અને ટિકિટના ભાવોમાં બેફામ વધારા મામલે સુનાવણી હાથ ધરતાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સીધા સવાલો કર્યા હતા:
- સંકટ માટે જવાબદાર કોણ? “આ એક ગંભીર સંકટ છે. આ ફક્ત મુસાફરો ફસાયા હોય તેવો સવાલ નથી, આ તો અર્થતંત્રને નુકસાન પહોંચાડનારી સ્થિતિ છે. આવી સ્થિતિ પેદા જ કેવી રીતે થઈ? તે માટે જવાબદાર કોણ છે? મુસાફરો રોજ હેરાન થઈ રહ્યા છે.”
- મુસાફરોની મદદ માટે શું પગલાં? “તમે મુસાફરોને થયેલા નુકસાન અને તેમની મદદ માટે શું પગલાં ભર્યા છે?”
💸 ટિકિટના ભાવવધારા પર હાઇકોર્ટ લાલઘૂમ
- હાઇકોર્ટે અન્ય એરલાઇન્સ દ્વારા આ સંકટનો ફાયદો ઉઠાવીને ટિકિટના ભાવમાં કરાયેલા જંગી વધારા પર પણ નારાજગી વ્યક્ત કરી:
- “જે ટિકિટો પહેલા ₹5,000માં ઉપલબ્ધ હતી, તેની કિંમત ₹35,000 થી ₹40,000 રૂપિયા સુધી કેવી રીતે પહોંચી ગઈ?”
- “તમે અન્ય એરલાઇન્સને સંકટનો ફાયદો ઉઠાવવાની મંજૂરી આપી જ કેવી રીતે?”
🛑 DGCA પર કાર્યવાહી ન કરવાનો આરોપ
- સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ લાંબા સમયથી FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) લાગુ કરવા માંગતા હતા, જે અગાઉ જુલાઈ અને નવેમ્બરમાં બે તબક્કામાં લાગુ કરવા માટે અંડરટેકિંગ અપાયું હતું. આના પર કોર્ટે DGCAના વકીલને પૂછી લીધું:
- છૂટ કોણે આપી? “તમને છૂટ કોણે આપી અને આ સ્થિતિ આવી જ કેવી રીતે?”
- DGCAને લપેટતા: હાઇકોર્ટે સ્પષ્ટ આરોપ મૂક્યો કે “તમે (DGCA) એરલાઇન્સ સામે કોઈ કાર્યવાહી કરી જ નથી.”
👉જવાબમાં DGCAના વકીલે કહ્યું કે આ સંકટ કર્મચારીઓના અભાવને કારણે સર્જાયું છે અને જો છૂટ ન અપાઈ હોત તો તેની વ્યાપક અસર થઈ હોત. જોકે, કોર્ટે તરત જ DGCA પર આંકડાઓમાં ગરબડ કરવાનો પણ આરોપ મૂક્યો હતો.
👉કોર્ટે સરકાર અને DGCAને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને મુસાફરોને થતી હાલાકી અટકાવવા કડક નિર્દેશ આપ્યા છે.