હરિયાણા અને ત્રિપુરા: ડૉ. અર્ચના ગુપ્તાને હરિયાણા અને અભિષેક દેબરોયને ત્રિપુરાની કમાન સોંપાઈ.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે પોતાના સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા છે. પક્ષ દ્વારા દેશના ચાર મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
🧐દિલ્હી અને પંજાબમાં નવું નેતૃત્વ:
દિલ્હી: પૂર્વ દિલ્હીના સાંસદ અને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેઓ હવે વીરેન્દ્ર સચદેવાની જગ્યા લેશે.
પંજાબ: બરનાલાના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા ઉદ્યોગપતિ કેવલ સિંહ ઢિલ્લોનને પંજાબ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહના નજીકના ગણાતા ઢિલ્લોન ‘વિકાસ પુરુષ’ તરીકે લોકપ્રિય છે અને તેમની નિમણૂક પંજાબમાં પક્ષને મજબૂત કરવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહી છે.
🪷હરિયાણા અને ત્રિપુરા:
સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે હરિયાણા પ્રદેશ ભાજપની કમાન ડૉ. અર્ચના ગુપ્તાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, પૂર્વત્તર રાજ્ય ત્રિપુરામાં પણ નેતૃત્વમાં ફેરફાર કરતા અભિષેક દેબરોયને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપના આ મોટા ફેરફારોને આગામી સમયના રાજકીય સમીકરણો અને સંગઠનને વધુ સક્રિય બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા નિયુક્ત નેતાઓ પોતપોતાના રાજ્યોમાં ભાજપને કઈ રીતે નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.