- હુમલાની વિગત: કતારથી દહેજ આવતા LNG ટેન્કર ‘AL REKAYYAT’ પર ડ્રોન હુમલો થયો.
- જાનહાનિ ટળી: તમામ 29 ક્રૂ મેમ્બર (જેમાં 4 ભારતીયોનો સમાવેશ થાય છે) સુરક્ષિત છે.
- નુકસાન: એન્જિન રૂમમાં આગ લાગી હતી, પરંતુ સમયસર નિયંત્રણ મેળવી લેવાયું હતું.
- વ્યૂહાત્મક મહત્વ: વિશ્વના સૌથી વ્યસ્ત હોર્મુઝના અખાતમાં હુમલો થતા દરિયાઈ સુરક્ષા અને ઉર્જા સપ્લાય અંગે ચિંતા વધી
ભારતની ઉર્જા સુરક્ષા સાથે જોડાયેલા એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કતારના રાસ લફનથી ગુજરાતના દહેજ બંદર માટે રવાના થયેલા ‘AL REKAYYAT’ નામના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ટેન્કર પર ઓમાનના અખાતમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ડ્રોન હુમલો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
❓શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર જહાજ પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર શંકાસ્પદ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની સીધી અસર જહાજના એન્જિન રૂમ પર થઈ હતી, જેના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી અને ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે, જહાજ પર સવાર ક્રૂ મેમ્બરોએ ભારે સાવચેતી અને સૂઝબૂઝ દાખવી સમયસર આગને કાબૂમાં લઈ લીધી હતી.
🧐29 ક્રૂ મેમ્બર સુરક્ષિત:
સૌથી રાહતની વાત એ છે કે આ હુમલામાં જહાજમાં સવાર તમામ 29 ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. આ જહાજમાં 4 ભારતીય નાગરિકો પણ સવાર હતા, જેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
🗣️કતારનો ઈરાન પર આરોપ:
આ હુમલા બાદ કતારના વિદેશ મંત્રાલયે સીધો ઈરાન પર નિશાન સાધ્યું છે. કતારે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવ્યા છે.પણ ઈરાની સ્ટેટ ટેલિવિઝન મુજબ, જહાજે તેમની ચેતવણીઓને અવગણી હોવાનો દાવો કરાયો છે. ઈરાન આ રૂટ પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યું છે
👉આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર મુદ્દો:
હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંથી એક છે. વૈશ્વિક સ્તરે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને LNG નો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે. આવા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન હુમલાની ઘટનાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. હાલ સંબંધિત આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ હુમલા પાછળ કોનો હાથ છે અને તેના સંજોગો શું હતા, તે અંગે તપાસ કરી રહી છે.