- મિત્રતામાં તિરાડ? રશિયાએ ભારતને મળતા સસ્તા ક્રૂડ ઓઈલ પરની રાહત ખેંચી લીધી; હવે પ્રતિ બેરલ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
- ખેડૂતોની ચિંતા વધી: રશિયાએ અમોનિયમ નાઈટ્રેટ (ખાતર) ની નિકાસ પર 21 એપ્રિલ સુધી મૂક્યો પ્રતિબંધ; વાવણી ટાણે જ ભારત માટે મુશ્કેલી.
- હોર્મુઝ સંકટ: ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતા LPG અને ક્રૂડની સપ્લાય ખોરવાઈ; ભારતની કુનેહથી કેટલાક જહાજો સુરક્ષિત બહાર નીકળ્યા.
- અમેરિકા-ઈરાન તણાવ: ઈરાનનો દાવો- અમેરિકા ટાપુઓ પર કબજો કરવા હજારો સૈનિકો ઉતારવાની ફિરાકમાં.
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે ભારતના ખિસ્સા પર પડવાની શરૂ થઈ ગઈ છે. આ સંકટ સમયે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ આર્થિક મોરચે ભારતને બે મોટા ઝટકા આપ્યા છે, જેના કારણે દેશમાં ઊર્જા અને ખેતી ક્ષેત્રે મોટું સંકટ ઉભું થઈ શકે છે.
🇷🇺રશિયન તેલ હવે મોંઘું પડશે:
અત્યાર સુધી પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે રશિયા ભારતને કાચા તેલ પર જે મોટી છૂટ આપતું હતું, તે હવે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. ભારતીય રિફાઇનરીઓને હવે બ્રેન્ટ ક્રૂડ પર પ્રતિ બેરલ 4 થી 5 ડોલરનું વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. એપ્રિલ મહિના માટે ભારતે રશિયા પાસેથી 60 મિલિયન બેરલ તેલનો સોદો કર્યો છે, પરંતુ ડિસ્કાઉન્ટ વગરનું આ તેલ મોંઘવારીમાં તેલ રેડવાનું કામ કરશે.
🧐ખાતરની આયાત પર રોક:
ખેતી ક્ષેત્રે પણ માઠા સમાચાર છે. રશિયાએ પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા અમોનિયમ નાઈટ્રેટ (ખાતર) ની નિકાસ પર 21 માર્ચથી 21 એપ્રિલ 2026 સુધી પ્રતિબંધ લાદી દીધો છે. રશિયા વિશ્વના 40% ખાતર બજાર પર નિયંત્રણ ધરાવે છે. વાવણીના સમયે જ લેવાયેલા આ નિર્ણયથી ભારતીય ખેડૂતો માટે ખાતરની અછત સર્જાઈ શકે છે. રશિયાના ‘એક્રોન’ પ્લાન્ટને યુદ્ધમાં થયેલા નુકસાનને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે.
🛳️હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયા જહાજો:
બીજી તરફ, ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરી દેતા વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ અને 60% LPG આ માર્ગે આયાત કરે છે. જોકે, ભારતની મજબૂત વિદેશ નીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને કેટલાક જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ જોખમ ટળ્યું નથી.
👉વૈશ્વિક યુદ્ધની આ આગમાં ભારતની અર્થવ્યવસ્થા અને ખેતી પર થતી આ અસરો હવે ચિંતાનો વિષય બની છે.