બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. શેખ હસીના સરકારને ઉથલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ‘ઇન્કલાબ મંચ’ના સ્થાપક શરીફ ઉસ્માન હાદીનું સારવાર દરમિયાન સિંગાપુરમાં અવસાન થતા જ ઢાકા સહિત અનેક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. ઉશ્કેરાયેલા ટોળાએ મોટા અખબારોની ઓફિસોને આગ ચાંપી છે અને ચટગાંવમાં ભારતીય હાઈ કમિશન પર પણ પથ્થરમારો કર્યો છે.
➡️ મુખ્ય ઘટના: શરીફ ઉસ્માન હાદીનું મોત અને ત્યારબાદની હિંસા
બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. 12 ડિસેમ્બરે ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોની ગોળીનો શિકાર બનેલા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ બાંગ્લાદેશમાં અરાજકતા જેવો માહોલ સર્જાયો છે.
મીડિયા હાઉસ પર હુમલા: ઢાકાના શાહબાગ ચોક અને કરવાન બજારમાં હજારો પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો હતો. દેશના જાણીતા અખબારો ‘પ્રથમ આલો’ (Prothom Alo) અને ‘ડેઇલી સ્ટાર’ (Daily Star) ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દેવામાં આવી હતી. અંદર ફસાયેલા પત્રકારોએ સોશિયલ મીડિયા દ્વારા મદદની ગુહાર લગાવી હતી.
ભારત વિરોધી પ્રદર્શનો: હિંસા માત્ર મીડિયા હાઉસ સુધી સીમિત ન રહી. ચટગાંવમાં આવેલા ભારતીય હાઈ કમિશન પર પણ દેખાવકારોએ હુમલો કર્યો હતો. ભારત વિરોધી નારા લગાવવાની સાથે ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે હાદીના હત્યારાઓ ભારત ભાગી ગયા છે.
રાજકીય કચેરીઓને નિશાન બનાવાઈ: રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને ફૂંકી મારવામાં આવ્યું હતું, જ્યારે અનેક પૂર્વ મંત્રીઓના નિવાસસ્થાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
📌સરકારનું વલણ અને શોકની જાહેરાત:
વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે દેશમાં શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે હાદીને ‘જુલાઈ વિદ્રોહના શહીદ’ ગણાવ્યા છે અને શનિવારે (20 ડિસેમ્બર) રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. હાદીના હત્યારાઓને પકડવા અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવું વચન પણ યુનુસે આપ્યું છે.
🛑 શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશમાં ભારત વિરોધી સેન્ટિમેન્ટ જગાવવા માટે જાણીતા હતા અને આગામી સામાન્ય ચૂંટણીમાં ઢાકા-8 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાના હતા. તેમના મોત બાદ હવે બાંગ્લાદેશમાં ભારત સાથેના સંબંધો અને આંતરિક સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે.