Gujarat

વરિયાળીને આકર્ષક બનાવવા કેમિકલ કલરનો ઉપયોગ: ફૂડ સેફ્ટી વિભાગના દરોડાથી ખળભળાટ

Published

on

  • મોટો જથ્થો ઝડપાયો: ઉનાવામાંથી 19.6 લાખની કિંમતની 26 ટન ભેળસેળયુક્ત વરિયાળી સીઝ કરાઈ.
  • કેમિકલનો ખેલ: વરિયાળીને લીલી અને આકર્ષક બનાવવા માટે અખાદ્ય કેમિકલ કલરનો ઉપયોગ થતો હતો.
  • લાઈસન્સનો અભાવ: તપાસમાં બહાર આવ્યું કે સંબંધિત વેપારીઓ પાસે ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.
  • તંત્રની કાર્યવાહી: ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા અને સમગ્ર જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ

મહેસાણા: રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનો કાળો કારોબાર ફરી એકવાર સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) ની ટીમે કરેલી સપાટામણી કાર્યવાહીમાં 26 ટન જેટલી કેમિકલયુક્ત વરિયાળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

શું હતું સમગ્ર કૌભાંડ?

મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલના ગોડાઉન અને રાકેશકુમાર તલસીભાઈ પટેલની પેઢી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ લીલી અને આકર્ષક બનાવી ગ્રાહકોને છેતરવા માટે તેમાં અખાદ્ય કેમિકલ કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, ગોડાઉન માલિકો પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટેનું જરૂરી ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.

🛑કુલ 19.6 લાખનો મુદ્દામાલ સીઝ:

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. અખાદ્ય કલર હોવાની પ્રબળ શંકાના આધારે તંત્રએ કુલ 19.6 લાખ રૂપિયાની કિંમતનો 26 ટન વરિયાળીનો જથ્થો તાત્કાલિક અસરથી સીઝ કર્યો છે.

​આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા જવાબદાર પેઢીના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે કડક હાથે કામ લેવા સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Trending

Exit mobile version