Gujarat

અમરેલીમા શિયાળબેટની બે બોટ દરિયામાં ગુમ,માછીમારોની શોધખોળ શરૂ કરાઈ

Published

on

ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે.આ બંને બોટમાં કુલ 16 માછીમારો સવાર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના બાદ સ્થાનિક બોટ એસોસિએશને તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

દરિયામાં ગુમ થયેલી બોટના નામ ‘લક્ષ્મી પ્રસાદ’ અને ‘ધનવંતરી’ છે. દરેક બોટમાં આઠ-આઠ માછીમારો સવાર હતા. આ બોટનો સંપર્ક તૂટી જતાં માછીમાર પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો દરિયાઈ સુરક્ષા પર

આ ઘટના એક દિવસ પહેલાં બનેલી બીજી એક દુર્ઘટના બાદ સામે આવી છે. થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. તે ઘટનામાં સવાર 11 માછીમારો હજુ પણ લાપતા છે. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારોનો હજુ આજે પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જાફરાબાદની બોટો ડૂબ્યાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર , ધારાસભ્ય અને અધિકારીઓએ માછીમારોના આગેવાનો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. લાપતા માછીમારોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ દ્વારા બે એરક્રાફ્ટ અને અન્ય જહાજોની મદદ લેવામાં આવી હતી. જોકે, દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. હવામાન સ્વચ્છ થતાં પોરબંદર અને દમણથી વધુ ચાર એરક્રાફ્ટ પણ બચાવ કામગીરીમાં જોડાશે.

બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવતા, તાત્કાલિક ધોરણે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ ન હોવા છતાં, અચાનક બોટોનો સંપર્ક તૂટી જવાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાપતા થયેલા માછીમારોને સહીસલામત શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે

Trending

Exit mobile version