શહેરની શાળામાં વિદ્યાર્થીઓની બબાલ અને તકરારના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક કિસ્સામાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા પણ થતા જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બની હતી. જેમાં ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં શાળામાં ધમાલ મચી ગઈ છે. આજે વિદ્યાર્થીના મૃત્યુ બાદ તેના પરિવાર અને સમાજના સભ્યો દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.
સેવન્થ ડે શાળાએ આટલી મોટી ઘટનાને છુપાવવા પ્રયત્ન કરતા ડીઈઓએ નોટિસ આપી છે. ડીઈઓએ ઘટનાના CCTV સાથે રિપોર્ટ રજૂ કરવા કારણદર્શક નોટિસ આપી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી (Seventh Day School students figh) માં એક વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બાદ આજે વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ધસી ગયા હતા. મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ શિક્ષકોને માર માર્યો હતો. વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
આ મામલે શાળાના એડમિન મયુરીકા પટેલે જણાવ્યું કે, કેટલાક દિવસો પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઈકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે. વિધાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ બાહર રાખેલ વાહનમાં તેને છુપાવી રાખ્યું હોઈ શકે છે. વિધાર્થીઓ વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેક વાર કહેવામાં આવ્યું છે છતાં વાલીઓ માનતા નથી. જો કે આ શાળા તરફથી કરવામાં આવતો લૂલો બચાવ જ છે.
ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, બુધવારે (20 ઓગસ્ટ) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી. પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘુસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો હતો.