મહિલાને રાત્રે એક ભયાનક સપનું આવ્યું હતું, જેમાં કથિત રીતે ‘બાળકોને મારી નાખ’નો આદેશ મળ્યો હતો
- બાળહત્યા પછી મહિલાએ પોતાના સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમયસર ભાગી ગયા હતાં.
- મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ દ્વારા બચાવવામાં આવી.
- મોત પામેલા બાળકોની ઉંમર આશરે 4 અને 7 વર્ષ હતી.
નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. મધરાતે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ પોતાના જ બે નાનકડા બાળકોનું ગળું દબાવી તેમનું મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકોની ઉંમર અનુક્રમે ચાર અને સાત વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
માહિતિ મુજબ, આરોપી માતાને રાત્રે એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં મળેલા કથિત આદેશના આધારે તેણીએ આ કૃત્ય અંજામ આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ત્યારબાદ મહિલાએ પોતાના સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સસરાએ સમયસર ભાગી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.સસરાની બુમાબુમ બાદ સ્થાનિક રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસને જાણ થતા તાત્કાલિક કાફલો પહોંચી ગયો હતો. તે સમયે મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા દાખવીને તેનો જીવ બચાવ્યો અને તેને કસ્ટડીમાં લીધો હતો.પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટના પાછળ માનસિક અસ્વસ્થતા કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.