ગાંધીનગર | શનિવાર, 3 જાન્યુઆરી 2026
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્વચ્છ શહેર ગણાતા ઈન્દોરમાં દૂષિત પાણીથી થયેલા 14 મોતના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં ગાંધીનગરમાં પણ તેવી જ ગંભીર સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. શહેરના જૂના સેક્ટરોમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
🏥 સિવિલ હોસ્પિટલની સ્થિતિ: બાળકો પર રોગચાળાનો પંજો,ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં હાલ એકસાથે 104 બાળકો સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મિતા પરીખના જણાવ્યા અનુસાર:
- દર્દીઓમાં 1 થી 16 વર્ષની વયના બાળકો વધુ છે.
- બાળકોમાં મુખ્યત્વે ઝાડા, ઉલટી અને ટાઈફોઈડના લક્ષણો જોવા મળી રહ્યા છે.
- ભીડ વધતા હોસ્પિટલમાં E-2 અને F-2 વોર્ડ ઉપરાંત એક નવો સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.
🫵શહેરના સેક્ટર 24, 26, 28, આદિવાડા અને GIDC વિસ્તાર આ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે.
- કેસની વિગત: છેલ્લા એક અઠવાડિયામાં ટાઈફોઈડના 67થી વધુ કન્ફર્મ કેસ નોંધાયા છે, જ્યારે શંકાસ્પદ કેસોનો આંકડો ઘણો મોટો છે.
- લીકેજની શોધ: આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરના પાણીના મિશ્રણની આશંકાએ 10 જેટલા લીકેજ શોધવા માટે ટીમો કામે લાગી છે.
- ડોર-ટુ-ડોર સર્વે: મનપા દ્વારા 40 જેટલી ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને ક્લોરીન ટેબ્લેટના વિતરણની કામગીરી શરૂ કરાઈ છે.
🧐ઈન્દોરની ઘટનાથી ફફડાટ
ઈન્દોરના ભાગીરથપુરામાં થયેલી દુર્ઘટનામાં તપાસ દરમિયાન પાણીમાં ઈ-કોલાઈ (E. coli) અને શિગેલા (Shigella) જેવા બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે માનવ મળમૂત્રના મિશ્રણથી ફેલાય છે. ગાંધીનગરના સેમ્પલ રિપોર્ટમાં પણ પાણી પીવાલાયક ન હોવાનું સામે આવતા શહેરીજનોમાં ભયનો માહોલ છે.
🩺તબીબોની સલાહ: હાલની સ્થિતિને જોતા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા ખાસ અપીલ કરવામાં આવી છે.