ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કહેવા અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓને આજે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં આજે ખેડા જિલ્લા પર મોટું સંકટ છે. ખેડા જિલ્લાની સ્થિતિ વણસી શકે છે.
- એક બાજુ વણાકબોરી ડેમમાંથી પાણી છોડાયું છે અને બીજી બાજું ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે.
- વણાકબોરી ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા.
- આજે સાંજે ચાર વાગે વધારી 4 લાખ 28 હજાર 356 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે.
ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કહ્યું કે, આજે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવશે. પાનમ અને કડાણા ડેમમાંથી વણાકબોરી વિયરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે વણાકબોરી ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે આજે સાંજે ચાર વાગે વધારી 4 લાખ 28 હજાર 356 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે. વણાકબોરી ડેમની સપાટી 238 ફૂટને પાર કરતા પાણીની આવક વધતા વાઈટ સિગનલ આપવામાં આવશે.
ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દુર અને સુરક્ષિત સ્થાન ઉપર ખસી જવા ખેડા કલેકટરે અપીલ કરી છે. સાથે જ કોઈપણ વ્યક્તિ નદી કિનારે આવેલા ખેતરો અને નીચલવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ છે.
ખેડા જિલ્લામાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે. નદી કિનારા વિસ્તાર માં આવેલ ગામોના સરપંચ તલાટીને સ્થળ ન છોડવા ખેડા જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. જિલ્લામાં આવેલ તમામ તાલુકા અધિકારીઓને હેડ ક્વાટર ન છોડવાની સૂચના અપાઈ છે.
આજે ફરી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. મોડી રાત્રે પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી રાત્રે 10 વાગ્યે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતીમાં પાણી છોડાતાં વાસણા બેરેજની જળ સપાટી વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધવાની શક્યતાએ નદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમના તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને એલર્ટ કરાયું છે. સાબરમતી નદી કાંઠાના ગામડાના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરાઈ. ધરોઈ ડેમની ભયજનક 622 ફૂટની સપાટી સામે હાલમાં જળ સપાટી 618 ફૂટે પહોંચી છે.