અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. પોતાની આજીવનની કમાણી ખર્ચીને લીધેલા ઘર પર આજે કોર્પોરેશનનું જેસીબી ફરી વળ્યું છે. બિલ્ડર દિલીપ પટેલની છેતરામણીનો ભોગ બનેલા પરિવારો હવે ન્યાય માટે બિલ્ડરના નિવાસસ્થાને જઈને ધરણા પર બેઠા છે.
આ દ્રશ્યો છે અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના, જ્યાં આજે સવારે 9 વાગ્યે ભયનો માહોલ જોવા મળ્યો. AMCના ચાર અધિકારીઓ અને જેસીબી મશીન કાફલા સાથે પહોંચતા જ રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા. તંત્ર દ્વારા બંધ મકાનોમાં તોડફોડ શરૂ કરાતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે કામગીરી અટકાવવી પડી હતી. રહીશો અત્યારે પોતાના ઘરમાંથી સામાન બહાર કાઢવા મજબૂર બન્યા છે.
📌સમગ્ર વિવાદ શું છે?
બિલ્ડર: દિલીપ પટેલ દ્વારા સ્નેહાંજલિ સોસાયટીનું નિર્માણ કરાયું.
મુખ્ય મુદ્દો: વર્ષ 2006માં જાણ થઈ કે આખી સોસાયટી ગેરકાયદેસર છે.
વર્તમાન સ્થિતિ: AMC દ્વારા ડિમોલિશન શરૂ થતા લોકો બેઘર થવાની અણી પર છે.
➡️ “અમે અમારી મહેનતની કમાણી બિલ્ડરને આપી છે. હવે જ્યારે ઘર તૂટી રહ્યા છે ત્યારે બિલ્ડર દિલીપ પટેલ અમારો ફોન પણ નથી ઉપાડતા. અમે ક્યાં જઈએ? જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે બિલ્ડરના ઘર પાસેથી ખસીશું નહીં.”
📢 હાલ તો રહીશો બિલ્ડરના ઘરે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. એક બાજુ કોર્પોરેશનની લટકતી તલવાર અને બીજી બાજુ બિલ્ડરની નિષ્ક્રિયતા વચ્ચે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો પીસાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને બિલ્ડર આ મામલે શું વલણ અપનાવે છે.