Gujarat

અમદાવાદઃ બંધ 93 મ્યુનિસિપલ શાળાના મકાનોમાં હવે આંગણવાડી ચાલશે, વર્ષમાં 10 કરોડની બચતનો અંદાજ

Published

on

અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની 93 શાળાઓ વર્ષોથી બંધ હાલતમાં હતી. હવે આ બિલ્ડિંગોનો ફરીથી ઉપયોગ થાય એ દિશામાં તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ મકાનોમાં આંગણવાડી ચલાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

શહેરમાં હાલમાં કુલ 2100 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જેમાંથી 700 આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલે છે.જ્યારે મહિને દોઢથી બે કરોડ રૂપિયા જેટલો રેન્ટ કોર્પોરેશનને ચૂકવવો પડે છે. આંગણવાડીઓને બંધ શાળાના મકાનમાં ખસેડવાથી વર્ષમાં અંદાજે 10 કરોડ રૂપિયાની બચત થશે તેવી ગણતરી કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ —

  • સ્કૂલ બોર્ડનાં માલિકીના 54 મકાન
  • તથા ભાડાના મકાનમાં ચલાતી 39 શાળાઓ
  • આ 93 મકાન વર્ષોથી બંધ હાલતમાં છે.

કેટલાક મકાનોમાં સામાન્ય સમારકામ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય એમ સ્કૂલબોર્ડનાં સૂત્રોએ જણાવ્યું છે.ખાડીયા, જમાલપુર, બહેરામપુરા, એલિસબ્રિજ, સરદારનગર સહિતનાં વિસ્તારોના બંધ શાળાના મકાનો આંગણવાડી માટે  કરવામાં આવશે. અગાઉ પણ લાખા પટેલની પોળ શાળાના તળિયા ભાગમાં આયુર્વેદિક દવાખાનું તેમજ અમૃતલાલની પોળ પાસેનાં મકાનમાં ખાડીયા અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે.

સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે કોટ વિસ્તારોમાં છાત્રસંખ્યા ઓછી થતાં શાળાઓનું મર્જર કરાયું હતું અને તેથી કેટલાક મકાનો બંધ થયા હતા.

શહેરના સરદારનગર, અસારવા, કુબેરનગર, સૈજપુર, કાલુપુર, દરિયાપુર, જમાલપુર, શાહપુર, સરસપુર, ગોમતીપુર, બાપુનગર, ખોખરા, ઘોડાસર, બહેરામપુરા, રાયખડ, મેઘાણીનગર જેવા વિસ્તારોમાં આવેલ કેટલીક શાળાઓ લાંબા સમયથી બંધ હાલતમાં છે.જ્યારે એક શાળા તો જર્જરીત સ્થિતિને કારણે પણ બંધ રાખવામાં આવી છે.

આ નિર્ણય અમલમાં આવી જશે તો —

  • ભાડાનું ભારણ ઘટશે.
  • બંધ બિલ્ડિંગોનો સકારાત્મક ઉપયોગ થશે
  • શહેરના વિવિધ વિસ્તારની આંગણવાડીઓને સ્થિર સરકારી બેઝ મળશે.

Trending

Exit mobile version