વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટિંબી ગામના ખેડૂત મનોજભાઇ પટેલે શેરડીના રસનો બનાવ્યો આઇસક્રિમ અને કેન્ડી બનાવી. ૫૪ વર્ષીય મનોજભાઈ પરંપરાગત ખેડૂત પરિવારમાં જન્મેલા છે અને હવે તેઓ સ્વસ્થ જીવનશૈલી સાથે નફાકારક ખેતી કરીને ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે.
મનોજભાઈએ ૨૦૧૯ માં કુદરતી ખેતીની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ ચોખા અને લીંબુ ઉગાડતા હતા. પછી ધીમે ધીમે બટાકા, ડુંગળી, રીંગણ, દૂધી, કારેલા,આદુ, હળદર જેવા શાકભાજી, અને જામફળ, ચેરી, લીચી, ખજૂર જેવા ફળો પણ ઉગાડવા લાગ્યા. તેમણે લવિંગ, તજ, કાળી મરી, તમાલપત્ર અને સોપારી જેવા મસાલાની પણ ખેતી કરી. હું
તેમણે માત્ર પાક જ નહી ઉગાડ્યા, પણ સાથે સાથે “મૂલ્યવર્ધન” તરફ પણ ધ્યાન આપ્યું છે. એટલે કે, પોતાના પાકમાંથી જુદા-જુદા ઉત્પાદનો બનાવી વેચવાનું શરૂ કર્યું. ૨૦૨૫માં તેમણે શેરડીમાંથી રસ કાઢીને ઘરે જ કુદરતી આઈસ્ક્રીમ અને કેન્ડી બનાવવાની શરૂઆત કરી. તેમાં કાજુ, કિસમિસ અને બદામ જેવી વસ્તુઓ ઉમેરીને સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વસ્તુઓ બનાવી. પહેલા જ વર્ષમાં તેમણે આ પ્રયોગથી રૂ ૨૫,૦૦૦ જેટલી વધારાની કમાણી કરી.
મનોજભાઈ કહે છે કે , “મારે કંઈક નવું કરવાનું હતું.તેથી તેમણે શેરડીના રસમાંથી કુદરતી આઈસ્ક્રીમ બનાવવાનું વિચાર્યું અને ઘરે જ મશીન રાખીને શરૂ કર્યું. તેમને આ રીતે ખેતી કરતા શરીર પણ તંદુરસ્ત લાગવા લાગ્યું. પહેલાં પગમાં તાણ આવતો અને થાક લાગતો, હવે લાંબું ચાલવા જઈ શકે છે, તેવો અનુભવ કરે છે.તેમની ખેતી સંપૂર્ણ રીતે ગાય આધારિત છે. એટલે કે, કોઈપણ રાસાયણિક ખાતર કે દવા વગર, માત્ર ગાયના છાણ, મૂત્રથી બનેલ જીવામૃતનો ઉપયોગ કરે છે. જેથી જમીન પણ પોષાય છે અને પાક પણ તંદુરસ્ત થાય છે.
મનોજભાઈનો એક ગૃહઉદ્યોગ પણ છે જેમાં તેમની પત્ની સાથે મળીને વિવિધ પ્રકારની બાજરીમાંથી ખાદ્ય વસ્તુઓ બનાવીને સ્થાનિક ગ્રાહકોને વેચે છે.તેમનું કહેવું છે, “હવે હું માત્ર ખેતી કરતો નથી, પણ શિબિરોમાં જઈને અન્ય ખેડૂતોને પણ કુદરતી ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરું છું. કારણ કે આ પદ્ધતિથી ખેતી પણ બચશે અને આપણી તંદુરસ્તી પણ.”