Editor's Exclusive

વડોદરા જીલ્લામાં “વ્યક્તિ ભક્તિ” ફળી: ભાજપમાં કારકિર્દી બનાવવી હોય તો પક્ષના વફાદાર નહિ, વ્યક્તિ વફાદાર રહેવું પડે!

Published

on

(મૌલિક પટેલ- એડિટર) સંગઠન સર્વોપરીની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સત્તામાં છે અને સંગઠનશક્તિ જ તેની માટે જવાબદાર છે. આ વખતના સંગઠન પર્વમાં પક્ષે એક નવા પ્રયોગની શરૂઆત કરી હતી. જેમાં સંગઠનમાં વધુને વધુ યુવાનો અને નિર્વિવાદીત તેમજ સ્વચ્છ છબીના કાર્યકરોને તક મળે તે માટે કેટલાક કડક નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. જે કડક નિયમોમાં વયમર્યાદા એક મહત્વનું પાસું હતું. આ સાથે પક્ષ માટેની તેઓની વફાદારીના ઇનામ સ્વરૂપે યોગ્ય કાર્યકરોને યોગ્ય સ્થાને મુકવામાં આવશે તેવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી. જોકે આ તમામ અપેક્ષાઓ વડોદરા જીલ્લા માટે અપવાદરૂપ સાબિત થઈ છે.

“व्यक्ति से बड़ा दल, दल से बड़ा देश” આ સૂત્ર ભાજપના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન શક્તિ સાથે જોડાયેલા દિગ્ગજોના મુખે સાંભળેલું છે. જોકે વડોદરા જિલ્લાના ભાજપના મંડળ પ્રમુખની નિયુક્તિમાં ક્યાંય આ સૂત્ર લાગુ પડતું હોય તેમ લાગતું નથી. મંડળના નિયુક્ત થયેલા હોદ્દેદારોને શુભેચ્છા આપતા સાંસદ ડો.હેમાંગ જોષીએ એક પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે, “પાર્ટી પ્રથમ અને રાષ્ટ્ર સર્વોપરી રાખીને કામ કરે તેવી શુભેચ્છાઓ”, જોકે નિયુક્તિ પામેલા હોદ્દેદારો માંથી અનેક મહાનુભાવોને છેલ્લા 6-7 વર્ષમાં પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેઓ “પાર્ટી પહેલા વ્યક્તિ” ના સૂત્રને માનતા હોય તેવા કિસ્સાઓ બન્યા છે. જેથી એ વાત તો સ્પષ્ટપણે માની શકાય છે કે, ભાજપમાં પક્ષ માટે વફાદાર હોય તેવા વ્યક્તિ કરતા પક્ષ સામે બળવો કરનારને વધુ આદર સન્માનથી જોવામાં આવે છે.જે આ નિયુક્તિમાં જાહેર થયેલા નામોમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

Advertisement

પાદરા તાલુકો
પક્ષ સર્વોપરીની ભાવના સાથે ચાલતા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2017માં પાદરાના તત્કાલીન ધારાસભ્ય દિનેશ પટેલ દિનુમામાંને ફરી વાર ઉમેદવારી આપવામાં આવી હતી.જેનાથી અસંતુષ્ટ જૂથે બળવો કરીને ક્ષત્રિયવાદ સાથે ભાજપ માંથી છેડો ફાડીને રાજીનામાં ધરી દઈને ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.જેમાં પાદરા તાલુકાના હાલ નિયુક્તિ પામેલા સંજયસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. જેઓએ 2017ની ચૂંટણી માં ભાજપના ઉમેદવારના વિરુદ્ધમાં મહુવડ ગામે સંમલેન પણ યોજયું હતું. પક્ષ માંથી રાજીનામું આપ્યા બાદ 2017 થી 2021 સુધી તેઓને કોઈ જવાબદારી આપવામાં આવી નથી.એટલું જ નહીં 2019માં તેઓ સક્રિય સભ્ય પણ ન હતા. 2022માં ચૈતન્યસિંહ ઝાલાને ટીકીટ મળતા સંજયસિંહ ફરી વાર સક્રિય થયા અને “दल से बड़ा व्यक्ति” સૂત્રને સાર્થક કરી તેઓ મંડલ પ્રમુખ જાહેર થઈ ગયા.જાણવા મળતી માહિતી પ્રમાણે આ સંગઠન પર્વમાં તેઓએ બુથ સમિતિ પણ પુરી કરી નથી.આ સાથે જ પાછલી બે ચૂંટણીમાં તેઓનું બુથ પણ માઇનસ હોવા છતાંય હોદ્દો આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

પાદરા નગર
“दल से बड़ा व्यक्ति”નો આ બીજો કિસ્સો છે જ્યાં પાદરા નગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બળવો કરીને ભાજપ પક્ષના ઉમેદવારોને હરાવવા માટે મેદાને નીકળેલા કેટલાક ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ યાદીમાં બુથ નં 8ના સહ ઇન્ચાર્જની જવાબદારી નિભાવતા દીપેશભાઈ પંચાલને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમયે પાદરા વિધાનસભામાં ભાજપને નિષ્ફળ સાબિત કરવા કેટલાક ભાજપના જ આગેવાનો કામે લાગ્યા હતા. જેમાં દીપેશભાઈ પંચાલનો પણ સમાવેશ થાય છે જેઓએ પક્ષ કરતા એક વ્યક્તિને મોટો ગણીને ભાજપને નુકશાન કર્યું હતું જે હવેથી પાદરા નગર ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવશે.

વાઘોડિયા તાલુકા
17 નવેમ્બર 2022ના રોજ હાલના જીલ્લા ભાજપ મહામંત્રી ડો.બી.જે બ્રહ્મભટ્ટે સહી સાથેની એક નોટિસ ઈશ્યુ કરી હતી. જેમાં પક્ષ વિરુદ્ધ અને અપક્ષ ઉમેદવારના સમર્થનમાં કામ કરનાર તત્કાલીન જીલ્લા ભાજપ યુવા મોરચાના જય જોષીને આ નોટિસ પાઠવી હતી. જે નોટીસના એક સપ્તાહ બાદ હાલના જ જીલ્લા મહામંત્રીએ સહી સાથે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર વાઘોડિયા ભાજપના સભ્યોની યાદીમાં પ્રથમ નામ જય ધવલકુમાર જોષીનું શામેલ કરીને પ્રાથમિક તેમજ સક્રિય સભ્યના હોદ્દા પરથી તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ તેઓને ફળ સ્વરૂપે આખો તાલુકો સોંપી દેવામાં આવ્યો છે.જ્યાં જયભાઈ જોષીને વાઘોડિયા તાલુકા ભાજપના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. અહીંયા પણ “व्यक्ति से बड़ा दल” સૂત્ર જરાય સાબિત થતું હોય તેમ જણાતું નથી.

Advertisement

વડોદરા તાલુકો
વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ પદે દર્પણભાઈ હસમુખભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે આ નામ જાહેર થાય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી. 2017 અને 2022 વિધાનસભાની ચૂંટણીમાં દર્પણભાઈ પટેલની કામગીરીથી વાઘોડિયા તાલુકો અને જીલ્લા સંગઠન વાકેફ છે અહીંયા પણ “વ્યક્તિની ભક્તિ” ફળી છે જ્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે તેઓ માટે કામગીરી કરનાર તમામ માટે હોદ્દાઓ આપીને વફાદારીનું ઇનામ આપવું એ સ્વાભાવિક છે. જોકે દર્પણભાઈ પોતે પક્ષ માટે હંમેશા વફાદાર રહ્યા છે એ વાત અતિશયોક્તિ થઈ જશે !

સાવલી તાલુકો
સાંસદ ડો. હેમાંગ જોષીએ પોતાની શુભેચ્છામાં લખેલા બે શબ્દ “પાર્ટીને પ્રથમ અન રાષ્ટ્રને સર્વોપરી” આ શબ્દોની શુભેચ્છાઓ સાવલીના તાલુકા ભાજપ પ્રમુખ માટે બંધ બેસતી નથી. જે વ્યક્તિ પાર્ટીને પ્રથમ નથી રાખી શક્યા તેઓ રાષ્ટ્રને સર્વોપરી ક્યાંથી રાખશે! સાવલી તાલુકા પ્રમુખ સૂરપાલસિંહ પરમાર સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના ખૂબ નિકટના કહેવાય છે. તાલુકા પ્રમુખ પદની સેન્સ પ્રક્રિયા વખતે તેઓના ફોર્મમાં ક્ષતી હોવાને મારને ફોર્મ રદ્દ થયું હતું. જેને લઈને સુરપાલસિંહ અને અન્ય સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જે બાદ ચૂંટણી પ્રક્રિયા સાંભળતા હોદ્દેદારો સામે ફાઈલો પણ ફેંકી દેવામાં આવી હતી. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરતા સમયે જરૂરી માહિતી ન હોય કે તૃટી જણાય તો ફોર્મ આપોઆપ રદ્દ થઈ જાય, જ્યારે અહીંયા ખાસ કિસ્સામાં રદ્દ કરાયેલું ફોર્મ ફરીવાર સુધારીને સ્વીકારવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે જ્યારે રાજીનામું ધરી દીધું હતું ત્યારે સુરપાલસિંહ દ્વારા પણ પક્ષ માંથી રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી હતી. કેતન ઇનામદારે અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપવાનું વિચાર્યું હતું પણ સુરપાલસિંહે કોનો અવાજ સાંભળી પક્ષને સર્વોપરી રાખવાને બદલે વ્યક્તિને સર્વોપરી રાખ્યા હતા?

ડભોઇ તાલુકા
ડભોઇ તાલુકા પ્રમુખ પદે અલ્પેશ ઇન્દ્રવદન શાહના નામની જાહેરાત થઈ છે. સંગઠન પર્વમાં સ્વચ્છ છબી અને યુવા ચહેરાને આગળ લાવવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી. જે તમામ લાયકાતમાં અલ્પેશ શાહ ખરા ઉતરતા નથી! મળતી માહિતી પ્રમાણે અલ્પેશ શાહ લગભગ બે વાર જેલવાસ ભોગવી ચુક્યા છે.પક્ષના ક્રાઇટેરિયામાં બંધ બેસતા ન હોવા છતાંય તેઓને પ્રમુખપદ સોંપવામાં આવ્યું છે. અલ્પેશ શાહ જે સમયે યુવા ભાજપ અધ્યક્ષ હતા ત્યારે કહેવાય છે કે,યુવા મોરચો સદંતર ખાડે ગયો હતો. આ સમયકાળ દરમિયાન જે નેતાની તેઓ સૌથી નિકટ હતા તેઓના પુત્રએ અલ્પેશભાઈ શાહને ડભોઇ તાલુકા ભાજપ પ્રમુખનો હોદ્દો અપાવવા માટે મદદ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીં પણ પક્ષ કરતા વ્યક્તિની ભક્તિ ફળી હોય લાગી રહ્યું છે.

Advertisement

ઉપરોક્ત તમામ હોદ્દાઓ મેળવનાર વ્યક્તિઓ સદંતર ભાજપના જ વફાદાર હતા અને રહશે તે કહી શકાય નહીં, રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે મિત્ર હોતો નથી એ વાત નકારી શકાય નહીં. પણ જે પ્રમાણે હોદ્દાઓની લાહણી થઈ છે તે પ્રમાણે એક સક્રિય કાર્યકર પક્ષનો ગમે તેટલો વફાદાર રહે તો પણ તેને પક્ષમાં આગળ વધવા માટે સ્થાન મળવાનું નથી. “બદામો” ખુરશી ગોઠવશે અને “મગફળીઓ” હોદ્દા સંભાળશે!

Advertisement

Trending

Exit mobile version