Editor's Exclusive

એક કાંકરે અનેક નેતાઓને “પાડી દેવા” જીલ્લા અઘ્યક્ષ માટે આશ્ચર્યજનક નામ ચર્ચામાં!

Published

on

(મૌલિક પટેલ-એડિટર) જીલ્લા ભાજપમાં એક કાંકરે અનેક પક્ષીઓ પાડવા માટે જીલ્લા પ્રમુખ પદે એક આશ્ચર્યજનક નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. કહેવાય છે કે,આ નામ પાછળ ધારાસભ્યોની પણ સહેમતી છે. અને આ નામની જાહેરાતથી બિપિન પટેલ જેવા કાર્યકરોને ફરી પોતાની નારાજગી વ્યક્ત કરવાનો અવસર પણ મળી શકે છે. જોકે આ નામને હાલ કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી!

જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિને બઢતી આપીને પ્રદેશ ટીમમાં ઉપાધ્યક્ષનું સ્થાન આપતા “ઝાડ પડ્યું ને જગ્યા થઈ” જેવો ઘાટ જીલ્લા ભાજપ સંગઠનમાં જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલા જીલ્લા પ્રમુખ થવા માટે જે 57 નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેઓએ ફરી પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં પોતાના થી વધુ શક્તિશાળી હોદ્દો મળે તેવી ઈચ્છા જરાય નથી. અત્યાર સુધી જ્યાં જીલ્લા પ્રમુખ રસિકભાઈ હતા ત્યારે પણ મહામંત્રી માટે પણ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કોઈ અગ્રણીને મહામંત્રી પદે જોવા માટે પણ રાજી હતા નહીં! (પછી એ અગ્રણી ધારાસભ્યની અંગત ભક્તિ કરતો હોય તો તેની માટે ધારાસભ્ય સહમત થતા)

રસિકભાઈને પ્રદેશમાં સ્થાન મળતા જ એક કાંકરે અનેક નેતાઓને પાડી દેવા માટે ધારાસભ્યો એક નામ પર સહમત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે નામ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું હોવાનું જાણવા મળે છે.

એક કાંકરે કેટલા પડશે?
હાલ વડોદરા જીલ્લામાં સહકારી એકમોની ચૂંટણીઓ અટકી પડી છે. જે સહકારી એકમોની ચૂંટણી થઈ ગઈ હોય ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થતી નથી. તેની પાછળ વડોદરા જીલ્લાના સહકારના એક ખાસ જૂથને પુરા કરી દેવાનું આયોજન છે. તેમાં બરોડા ડેરીના પ્રમુખ દિનુમામા(ચૈતન્યસિંહ ઝાલાના પ્રતિધ્વંધિ) સતીષ પટેલ નિશાળીયા(અક્ષય પટેલના પ્રતિધ્વંધિ), કુલદીપસિંહ રાઉલજી(કેતન ઇનમદારના પ્રતિધ્વંધિ) અને સતીષ મકવાણા-રાજુ અલવા(ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સંભવિત પ્રતિધ્વંધિ) નો સમાવેશ થાય છે.ધારાસભ્યો આ કારણથી ચૈતન્યસિંહ ઝાલાના નામ માટે સહમત હોઈ શકે છે. સહકારમાં દિનુમામા જૂથ અને સતીષ પટેલ નિશાળીયાને સક્રિય રાજકારણ માંથી કિનારે કરી શકાય છે.

સંગઠનમાં ધારાસભ્યો આધારિત વ્યવસ્થા
જીલ્લાના પાંચેય ધારાસભ્ય પોતાના વિસ્તારમાં ઇનસિક્યોરિટી કોમ્પલેક્ષથી પીડાતા હોય તેમ પોતાના વિસ્તારમાં કોઈ ઉભરતા નેતાને કેવી રીતે પૂરો કરી દેવો? તેના અથાગ પ્રયત્નો કરતા હોય છે. પોતાના વિસ્તારમાં પોતાનાથી શક્તિશાળીને ઉભો નહીં થવા દેવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જીલ્લા પંચાયત સદસ્યથી લઈને તાલુકા પંચાયતમાં પણ ઉમેદવારી જોઈએ તો ધારાસભ્યના દરબારમાં રોજિંદી હાજરી ભરનારની પહેલી પસંદગી થઈ શકે! સંગઠન આધારિત વ્યવસ્થા શૂન્ય થઈ શકે! સંગઠનમાં કામ કરીને આગળ આવતી પ્રતિભાઓનું બાળ મરણ થાય! આ તમામ શક્યતાઓ અહીંયા ઉપસ્થિત થઈ છે.જીલ્લાના ધારાસભ્યોએ ભૂતકાળમાં અનેક વાર રિંગ બનાવી હતી ( દા. ત: પ્રદેશ સંગઠનમાં એક સાથે જઈને રજુઆત કરવી,નિરીક્ષકો ગણપત વસાવા, મનન દાણી જીલ્લા કાર્યાલય આવે ત્યારે એક સાથે એકસુરમાં નામો આપવા…)

બિપિન પટેલ જેવા કાર્યકરોને વિરોધ કરવાનો બીજો અવસર મળશે?
ગત સપ્તાહે જીલ્લા ભાજપ કાર્યાલય પર નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં એક બિપિન પટેલ નામના કાર્યકરે સાંસદને પ્રદેશ યુવા મોરચામાં હોદ્દો મળતા નારાજગી સાથે રોષ પ્રગટ કર્યો હતો. તેમનું કહેવું હતું કે સાંસદ હોવા છતાંય સંગઠનમાં હોદ્દો મેળવવાથી એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ તૂટે છે અને કાર્યકરોને આગળ આવવાની તક મળતી નથી. જોકે હવે એક ધારાસભ્યને જીલ્લા ભાજપ અધ્યક્ષનું સ્થાન મળે તો એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ ફરી તૂટશે. અને બિપિન પટેલ જેવા કાર્યકરોને ફરી એક વાર રોષ વ્યકત કરવાની તક મળશે. શું ખબર પછી આવી તક વારંવાર મળે?

Trending

Exit mobile version