લોકમાતા નર્મદા, જેને આપણે પવિત્ર માનીએ છીએ, આજે તે રેતી માફિયાઓના લાલચની ભોગ બની રહી છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવા છતાં, ગ્રાઉન્ડ ઝીરો પર માફિયાઓ કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સરહદે આવેલા પોઈચામાં જે દ્રશ્યો સામે આવ્યા છે, તે જોઈને તમે પણ ચોંકી જશો. રેતી ચોરી માટે નદીના અસ્તિત્વ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
આ દ્રશ્યો કોઈ સરકારી પ્રોજેક્ટના નથી, પરંતુ રેતી માફિયાઓના મનસ્વી શાસનના છે. પોઈચા પુલ નીચે નર્મદા નદીના કુદરતી વહેણને રોકી દેવામાં આવ્યું છે. જે નદીને આપણે પૂજીએ છીએ, તેના જ પેટાળને ચીરીને માફિયાઓએ નદીની બરાબર વચ્ચે એક આખો ‘કાચો પુલ’ બનાવી દીધો છે. આ રસ્તો એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી ભારે મશીનરી અને ડમ્પર નદીની વચ્ચે જઈ શકે અને ગેરકાયદે રેતીનું ખનન કરી શકે.
આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અનેકવાર મુખ્યમંત્રી અને ખાણ-ખનિજ વિભાગને પત્રો લખી ચૂક્યા છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તંત્રની મિલીભગત વગર આ શક્ય નથી. સવાલ એ થાય છે કે, શું માફિયાઓ કાયદાથી ઉપર છે? પોઈચા જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવે છે, ત્યાં પુલની નીચે જ આ ખેલ ખેલાઈ રહ્યો છે છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન છે?
આ લાલચ માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહી, પણ નિર્દોષોના જીવ પણ લઈ રહી છે. મશીનો દ્વારા થતા ખોદકામને કારણે નદીના તળિયે ભયાનક ખાડા પડી ગયા છે. બહારથી શાંત દેખાતું પાણી શ્રદ્ધાળુઓ માટે ‘ડેથ ટ્રેપ’ બની જાય છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે પોઈચામાં ડૂબી જવાની ઘટનાઓ કુદરતી નથી, પણ રેતી માફિયાઓએ સર્જેલી એક માનવસર્જિત આપત્તિ છે.
🫵”કુદરતી સંપત્તિની આ ખુલ્લેઆમ લૂંટ ક્યારે અટકશે? શું સરકાર આ ગેરકાયદે પુલ અને માફિયાઓ સામે લાલ આંખ કરશે કે પછી કાગળ પરની તપાસમાં જ આ કેસ સમેટાઈ જશે? તે જોવાનું રહેશે.”