RBI માં શિરીષ ચંદ્ર મૂર્મુ 9 ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે.
- કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક.
- રાજેશ્વર રાવ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.
RBIની આગામી મોનેટરી પોલિસી બેઠક પહેલાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આજે 29 સપ્ટેમ્બરના રોજ શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક પર મહોર લગાવી હતી. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશે.
શિરીષ ચંદ્ર મૂર્મુ 9 ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે. હાલ તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. હમણાં રાજેશ્વર રાવ RBIના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. તેઓ બેન્કિંગ રેગ્યુલેશન અને અન્ય પોર્ટફોલિયોનો ચાર્જ સંભાળી રહ્યા છે.
આમ તો સેન્ટ્રલ બેન્કમાં કુલ ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે. પ્રત્યેક ગવર્નર મોનેટરી પોલિસી, ફાઈનાન્સિયલ માર્કેટ રેગ્યુલેશન્સ, બેન્કિંગ સુપરવિઝન અને રેગ્યુલેશન્સ સહિતના ચાર ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળે છે. મૂર્મુનો ડિપાર્ટમેન્ટ હજુ જાહેર થયો નથી.