અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર યુવક વડોદરાનો નીકળ્યો. મુંબઈ પોલીસે વિરલ આસરા નામના યુવકને વડોદરા ના આજવા રોડ ખાતેના એક એપાર્મેન્ટ માંથી ઝડપી પાડ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી અંનત અંબાણીના લગ્ન સ્થળે બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.
બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવ્યા. અનંત અને રાધિકાના આલીશાન લગ્ન સમારોહ મુંબઈના જીઓ કન્વેનશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા. જ્યાં દેશ-વિદેશના દિગ્ગ્જ તેમજ નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ પહેલા જ સોશિયલ મીડિયા મારફતે અંનત અંબાણીના લગ્ન સ્થળ જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ હતી.
અને આખરે બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવકની વડોદરા થી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર આવેલ સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી વિરલ આસરા નામના યુવકની ધરપકડ કરી છે. વિરલ કલ્પેશભાઈ આસરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જેથી મુંબઈ પોલીસે વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખી વિરલની ધરપકડ કરી છે. અને ધરપકડ બાદ વિરલ આસરાને મુંબઈ લઇ જવાયો છે.