- ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. તમે બહાર કોઇને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે. બાદમાં ફરિયાદીએ બેંક ડિટેઇલ આપી હતી
વડોદરામાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટ ની ઘટના સામે આવી છે. વૃદ્ધને એક પ્રિ રેકોર્ડેડ ફોન આવ્યો હતો. તેમાં નંબર સિલેક્ટ કર્યા બાદ તેમને ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવવામાં આવ્યા હતા. બાદમાં એક પછી એક તરકીબ અજમાવીને વૃદ્ધમાં ડર પેંસાડવામાં આવ્યો હતો. અને તેમની બેંક તથા અન્ય વિગતો મેળવીને પૈસા પડાવવામાં આવ્યા હતા. આખરે રૂ. 1.58 કરોડ પડાવનાર સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ડિજિટલ અરેસ્ટના પીડિતે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. સપ્ટેમ્બર – 2024 માં તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિ TRAI માંથી બોલતકો હોવાનું જણાવ્યું, અને રાષ્ટ્ર વિરોધી કોઇ કામ ના કર્યું હોય તો 1 નંબર દબાવવા જણાવ્યું હતું. બાદમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, તમારા વિરૂદ્ધમાં ગણેશનગર અંધેરી ઇસ્ટ મુંબઇથી ફરિયાદ થઇ છે. તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો. ફરિયાદીએ જણાવ્યું કે, હું કોઇ આવો ધંધો કરતો નથી.
તો સામે વાળી વ્યક્તિએ કહ્યું કે, હું તમારો ફોન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં કનેક્ટ કરાવું છું. બાદમાં નંબર અન્ય નંબર પર ટ્રાન્સફર કર્યો હતો. અન્યએ ફોનમાં જણાવ્યું કે, તે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલે છે. રૂ. 287 કરોડના મની લોન્ડરીંગના કેસમાં તમે સામેલ છો. તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. તમે બહાર કોઇને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે. બાદમાં ફરિયાદીએ બેંક ડિટેઇલ આપી હતી. ત્રણ દિવસ સુધી તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં વોટ્સઅપથી એક કોર્ટનો લેટર જણાવીને કાગળ મોકલ્યો હતો. જેમાં મની લોન્ડરીંગનું જણાવીને તેમને ડરાવવામાં આવ્યા હતા. બાદમાં બેંક એકાઉન્ટમાં પડેલા પૈસાનું વેરીફીકેશન કરવાના નામે ડિટેઇલ્સ લેવામાં આવી હતી.
બાદમાં પૈસા પડાવવાનો ખેલ શરૂ થયો હતો. આ પૈસા કેસ પુરો થયે બેંકમાં પરત આવી જશે તેવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. આમ કરીને રૂ. 1.58 કરોડ જેટલી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. બાદમાં વૃદ્ધને અચાનક ફોન આવતા બંધ થઇ ગયા હતા. પોતાના પૈસા પરત મેળવવા માટે જ્યારે વૃદ્ધે ફોન કર્યા તો સામે વાળી વ્યક્તિએ ફોન રીસીવ કરવાના બંધ કરી દીધા હતા. આખરે વૃદ્ધ છેતરાયા હોવાનું ધ્યાને આવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસના હેલ્પ લાઇન નંબર પર ફોન કરીને જાણ કરી દીધી હતી. બાદમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા બેંક એકાઉન્ટ તથા અજાણ્યા મોબાઇલ નંબરના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.