વડોદરા શહેરના એસટી ડેપો પર મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડીને એક સપ્તાહ પહેલા થયેલા પર્સ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ગત 16 તારીખે સયાજીગંજ ST ડેપોમાં ભીડનો લાભ લઈને એક મુસાફરના દાગીનાની ચોરી થઈ હોવાનો કિસ્સો સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં મહિલાના પર્સની અંદર મુકેલા નાના પાકીટની ચોરી થઈ હતી. જેમાં સોનાના દાગીના અને રોકડ રકમ મુકેલી હતી. પોલીસે ભોગ બનેલા મહિલા મુસાફરની ફરિયાદના આધારે CCTV તપાસ્યા હતા. જેમાં એક મુસાફરને સ્વાંગમાં ફરતી મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.
CCTV મારફતે શંકાસ્પદ મહિલાની મુવમેન્ટ તપાસતા તે બસ સ્ટેન્ડની બહાર આવીને રિક્ષામાં બેસીને પંડયા બ્રિજ તરફ જતી હોવાના CCTV સામે આવતા પોલીસે રિક્ષાના તમામ રૂટના CCTV તપાસ્યા હતા. જ્યાં આ મહિલા ખોડિયાર નગર વિસ્તારમાં મહાકાળી વુડાના મકાનમાં ઉતરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રીક્ષા ચાલક પાસેથી માહિતી મેળવીને લીલાબેન ઉર્ફે માદી સુકીયા દેવધાની ઓળખ કરીને હ્યુમન સોર્સના આધારે દાહોદના ગરબાડા તાલુકાથી મહિલાની અટકાયત કરી હતી.
પોલીસે યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા મહિલાએ વડોદરા એસ.ટી ડેપો પર દાગીના ભરેલા પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરતા સયાજીગંજ પોલીસે 3.93 લાખ ઉપરાંતનો મુદ્દમાલ કબજે લીધો હતો.