- સ્ટોકિંગનો કિસ્સો: ફેસબુક પર અલગ-અલગ આઈડી બનાવી શિક્ષિકાને મેસેજ કરી કરતો હતો પરેશાન.
- નવાપુરા પોલીસની કાર્યવાહી: તરસાલીના હિરેન રાજપુત નામના શખ્સની ધરપકડ.
- 4 વર્ષની હેરાનગતિ: વર્ષ 2022થી સતત બ્લોક કરવા છતાં નવા એકાઉન્ટ બનાવી કરતો હતો પીછો.
- ધમકી અને દહેશત: સોશિયલ મીડિયા પર નજર રાખવા અને ઘર પાસે આવી ધમકી આપવા બદલ ગુનો નોંધાયો.
વડોદરા: સંસ્કારી નગરીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરપ્રાંતિય શિક્ષિકાને છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા પર હેરાનગતિ કરી ભયનું વાતાવરણ ઉભું કરનાર શખ્સને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યો છે.
✍️ઘટનાનો ઘટનાક્રમ:
મૂળ કોલકત્તાની રહેવાસી અને વડોદરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાને વર્ષ 2022માં ‘હિરેન રાજપુત’ નામના ફેસબુક આઈડી પરથી મેસેજ આવવાનું શરૂ થયું હતું. મહિલાએ તેને બ્લોક કરી દીધો હતો, પરંતુ આરોપીની હિંમત એટલી વધી ગઈ કે તેણે 2023માં ‘સ્મિત આર.જે.’ ના નામે નવું એકાઉન્ટ બનાવી ફરી મેસેજ કર્યા હતા.
વેલેન્ટાઈન કોમેન્ટ અને ધમકી:
આરોપી હિરેન રાજપુત સતત નવા એકાઉન્ટ બનાવી “કેમ આટલો ઘમંડ રાખો છો?”, “તમે મને ગમો છો” જેવા મેસેજ કરી હેરાન કરતો રહ્યો. ફેબ્રુઆરી 2026માં તેણે મહિલાની પોસ્ટ પર ‘માય વેલેન્ટાઈન’ જેવી કોમેન્ટ કરતા મામલો બિચક્યો હતો. મહિલાએ પોલીસ ફરિયાદની ચેતવણી આપી હોવા છતાં, આરોપીએ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું, તેના ઘર પાસે આવીને ધમકીઓ આપી અને સોશિયલ મીડિયા પર સતત નજર રાખી દહેશત ફેલાવી હતી.
🚨પોલીસ એક્શન:
આખરે કંટાળીને પીડિતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે ટેકનિકલ તપાસના આધારે આરોપી હિરેનકુમાર રમેશભાઈ રાજપુત (રહે-દર્શનમ સોસાયટી, તરસાલી) ને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની સામે BNS ની કલમ 78 અને 351(2)હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓના મેસેજને અવગણવા અને જરૂર જણાયે તાત્કાલિક પોલીસની મદદ લેવી તે જ સુરક્ષાનો શ્રેષ્ઠ માર્ગ છે.