- તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? કારેલીબાગમાં એક અઠવાડિયાથી પાણીની લાઇન લીકેજ; રોજ સવારે રસ્તાઓ બને છે નદી.
- ભૂવો પડવાની ભીતિ: સતત લીકેજથી રોડ નીચે પોલાણ સર્જાયું; ભારે વાહનો પસાર થતા માર્ગ બેસી જવાનો ભય.
- વીઆઈપી વિસ્તારમાં અંધેર નગરી: મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના બંગલા પાસે જ સમસ્યાનું નિરાકરણ નથી.
- રહીશોનો આક્રોશ: ઉનાળામાં એક તરફ પાણીની તંગી અને બીજી તરફ રસ્તા પર વેડફાતા પાણીને લઈ ઉઠી તાત્કાલિક સમારકામની માંગ.
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં પાણીના વેડફાટની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના પોશ ગણાતા કારેલીબાગ વિસ્તારમાં બાલ ભવનની બિલકુલ સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની મુખ્ય લાઈનમાં લીકેજની સમસ્યા યથાવત છે.
🧐વીઆઈપી રૂટ પર તંત્રની લાપરવાહી:
આશ્ચર્યની વાત એ છે કે, આ એ જ માર્ગ છે જ્યાંથી દરરોજ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓનો કાફલો પસાર થાય છે. અધિકારીઓના નિવાસસ્થાન પણ અહીંથી હાકેલા અંતરે આવેલા હોવા છતાં, દરરોજ સવારે પાણી વિતરણ સમયે લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી મુખ્ય માર્ગ પર વહી રહ્યું છે.
⚠️મોટી દુર્ઘટનાની શક્યતા:
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા સાત દિવસથી સતત પાણી વહેવાને કારણે રોડની નીચેની માટી ધોવાઈ રહી છે. જો સમયસર આ લાઇનનું સમારકામ કરવામાં નહીં આવે, તો ગમે ત્યારે અહીં મસમોટો ભૂવો પડી શકે છે. ખાસ કરીને કોઈ ભારે વાહન અહીંથી પસાર થાય ત્યારે આખો માર્ગ બેસી જવાની અને મોટી જાનહાનિ થવાની ભીતિ રહીશોએ વ્યક્ત કરી છે.
🫵સ્થાનિકોની માંગ:
શહેરમાં એક તરફ પ્રી-મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ અઠવાડિયા સુધી એક લીકેજ પણ રિપેર કરવામાં આવતું નથી. સ્થાનિકોએ આક્રમક રીતે માંગ કરી છે કે તંત્ર આ બાબતે કાયમી નિરાકરણ લાવે અને પાણીનો આ અક્ષમ્ય વેડફાટ અટકાવે.
👉હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓના બંગલા નીચે જ વહેતી આ પાણીની નદી તંત્રને ક્યારે દેખાય છે?