શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 15 ફૂટ થઇ જતાં વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, આજવા સરોવરમાંથી પાણી છોડવાથી કોઇ અસર પડશે નહીં. આથી નગરજનોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ગાજવીજ સાથે માત્ર ચાર કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 24. 76 ફૂટે પહોંચી ગઇ હતી. પાલિકા દ્વારા સુઆયોજીત આયોજન કરતાં વડોદરામાં પૂરની સ્થિતિ અટકાવી દીધી હતી.
દરમિયાન આજે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 15 ફૂટે પહોંચી જતાં વડોદરા પૂરના સંકટમાંથી સંપૂર્ણ મુકત થઇ ગયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા આજવા સરોવરમાંથી સવારે 7-30 કલાકે પાણી છોડવામાં આવ્યું છે. આજવા સરોવરની સપાટી 213.50 હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજવા સરોવરની સપાટી 15 ઓક્ટોબરે 212.75 ફૂટ સુધી રાખવાની હોવાથી આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવાથી શહેરીજનોને કોઇ અસર પડશે નહીં. આથી નગરજનોએ ચિંતા કરવાની જરૂર નથી.