વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના ખેડૂત સોનાના બિસ્કીટના ઝાંસામાં આવી ગયા હતા. આરોપીએ તેમને પ્રથમ એક ટુકડો આપ્યો હતો. જે સોનાનો હોવાનું ફલિત થતા મોટો ટુકડો આપ્યો હતો. જેની ખરાઇ કરાવતા તે પિત્તળનો હોવાનું મળી આવ્યું હતું. આ દરમિયાન બંને ગઠિયાઓએ ખેડૂત પાસેથી રૂ. 1 લાખ મેળવી લીધા હતા. બાદમાં ખેડૂત ઠગાયા હોવાનું ધ્યાને આવતા તેમણે બંને ગઠિયાઓ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાં હરીશભાઇ રામદાસભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખેતીકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરામ ચલાવે છે. એક વર્ષ અગાઉ ગામની સિમમાં જમીનમાં પાઇપ લાઇન નાંખવાનું કામ હોવાથી તેઓ રાજુભાઇ અમલાભાઇ શર્માના સંપર્કમાં આવ્યા હતા. આશરે 6 મહિના પહેલા રાજુભાઇનો ફોન ફરિયાદી પર આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મારે તમારૂ ખાનગી કામ છે, કોઇને કહેતા નહીં. હું અમે મારા માસીનો દિકરો રાહુલ શર્મા ભુજ ખાતે જેસીબીનુ કામ કરતા હતા. ત્યાંથી ચાર સોનાના બિસ્કીટ અને બે ચાંદીના બિસ્કીટ મળ્યા હતા. દિકરીના લગ્નની જરૂરિયાત હોવાથી સોનાના બદલામાં રૂ. 25 લાખ રૂપિયાની માંગ્યા હતા.
જે બાદ ફરિયાદીએ જણાવ્યું કે, મારી પાસે એટલા રૂપિયાની સગવડ વથી. તમે સોનું લઇને આવો, ખાત્રી કર્યા બાદ બનતી મદદ કરીશું. જાન્યુઆરી – 2025 માં રાજુ શર્મા અને રાહુલ શર્મા વાઘોડિયા જીઆઇડીસી ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે સોના જેવી ધાતુના સેમ્પલના બે ટુકડા આપ્યા હતા. જેની ખાતરી કરાવ્યા બાદ મળવાનું નક્કી થયું હતું.
બીજા દિવસે ધાતુની ખાતરી કરાવતા ખરેખર સોનું હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બંનેએ ફરિયાદીને વાઘોડિયા બોલાવ્યા હતા. જ્યાં ફરિયાદીએ બંનેને રૂ. 1 લાખ આપ્યા હતા. ત્યાર બાદ બંનેએ સોના જેવી ધાતુના બિસ્કીટ બતાવ્યા હતા. જેમાંથી અગાઉ આપેલા ટુકડા આપ્યા હોવાનું જણાવીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ફરિયાદી સોનાની લાલચમાં આવી જતા તેમણે તે લઇ લીધા હતા. અને ખાતરી કરાવ્યા બાદ બાકીના પૈસા આપવાનું નક્કી થયું હતું. બાદમાં સેમ્પલના ટુકડાની ખાતરી કરાવતા તે પિત્તળના હોવાનું ખુલ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ બાકીના રૂપિયા આપવાનું જણાવતા બંને આવ્યા ન્હતા. અને ત્યાર બાદ તો ફોન પણ ઉપાડતા ન્હતા. આખરે ફરિયાદી જોડે છેતરપિંડી થઇ હોવાનું ધ્યાને આવતા વાઘોડિયા પોલીસ મથકમાં રાજુભાઇ આમલાભાઇ શર્મા અને રાહુલભાઇ રામકિશન શર્મા (બંને રહે. બજેડી, અલવાર, ગોવિંદગઢ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.