અશાંત ધારાનો વિવાદ:તાંદલજા અને દિવાળીપુરાના રહીશોએ અશાંત ધારા હેઠળ અપાયેલી પરવાનગી સામે ઉઠાવ્યો વાંધો.
અનોખું પ્રદર્શન:જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા રહીશોએ હનુમાન ચાલીસાનો પાઠ કરી રજૂઆત કરી.
કાયદો-વ્યવસ્થાની ભીતિ:હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં જમીન સોદાની મંજૂરી આપવી ભૂલભરેલી હોવાનો સ્થાનિકોનો દાવો.
રદ કરવાની માંગ:સંભવિત કોમી સંઘર્ષને ટાળવા માટે અશાંત ધારાની પરવાનગી તાત્કાલિક રદ કરવા આવેદન પત્ર સોંપાયું.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં અશાંત ધારા (Disturbed Areas Act) ના અમલીકરણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. વડોદરાના તાંદલજા અને દિવાળીપુરા વિસ્તારના રહીશોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને તંત્રના એક હુકમ સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે રહીશોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં જ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
❓શું છે સમગ્ર વિવાદ?
રહીશોના જણાવ્યા અનુસાર, તાંદલજાના હિન્દુ બહુમતી ધરાવતા રહેણાંક વિસ્તારમાં આવેલી એક જમીનના સોદા માટે અશાંત ધારા હેઠળ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે આ મંજૂરી આપતા પહેલા ભૌગોલિક અને વસ્તીવિષયક પરિસ્થિતિની યોગ્ય તપાસ કરવામાં આવી નથી. જો આ વિસ્તારમાં અન્ય સંપ્રદાયના લોકોનો કબજો વધશે, તો ભવિષ્યમાં અશાંતિ સર્જાવાની અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની પૂરેપૂરી શક્યતા છે.
🧐કલેક્ટરને આવેદન પત્ર:
મોટી સંખ્યામાં ઉમટેલા મહિલાઓ અને પુરુષોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. રહીશોએ માંગ કરી છે કે, અશાંત ધારા હેઠળ જે પરવાનગી આપવામાં આવી છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જમીનનો કબજો મૂળ માલિકો પાસે જ જળવાઈ રહે તેવો નવો હુકમ કરવામાં આવે. રહીશોએ ચેતવણી આપી છે કે જો લોકલાગણીને ધ્યાને લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
અશાંત ધારાના અમલીકરણમાં થતી કથિત ચૂક અને સ્થાનિકોનો આ વિરોધ વહીવટી તંત્ર માટે હવે ચર્ચાનો વિષય બન્યો છે.